
સોના પ્રત્યે ભારતીયોનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તાજેતરમાં સરકાર દ્વારા સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) લગભગ બમણી કરવામાં આવ્યા બાદ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. તેમ છતાંય દેશભરના ઝવેરી બજારો અને જ્વેલરી શોરૂમમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી પડી છે. માત્ર ફિઝિકલ ગોલ્ડ (સોનાના દાગીના/સિક્કા) જ નહીં પરંતુ લોકોએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) અને ડિજિટલ ગોલ્ડમાં પણ જોરદાર નાણાં રોક્યા છે.

વાસ્તવમાં, સરકારે 13 મે, 2026થી સોના પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 5% થી વધારીને 10% કરી દીધી છે. આ સાથે એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) પણ 1% થી વધારીને 5% કરવામાં આવ્યો છે. આ રીતે કુલ ઈમ્પોર્ટ ડ્યુટી હવે વધીને 15% થઈ ગઈ છે. આ નિર્ણયની અસર એ થઈ કે, ભારતીય રૂપિયામાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા, જે 24 કેરેટ સોનું પહેલા પ્રતિ 10 ગ્રામ ₹1,47,160 પર મળતું હતું, તે ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા પછી તરત જ 10% મોંઘું થઈને સીધું પ્રતિ 10 ગ્રામ ₹1,62,120 પર પહોંચી ગયું. આશ્ચર્યની વાત એ છે કે, 13 મેના રોજ જે સોનું વેચાયું તે દેશના જૂના અનામત ભંડાર (સ્ટોક) માંથી હતું, તેમ છતાંય સ્થાનિક બજારમાં કિંમતો તરત જ વધારી દેવામાં આવી.

થોડા સમય પહેલા વડાપ્રધાને દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા અને રૂપિયાની નબળાઈને રોકવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી. ભારત પોતાની જરૂરિયાતનું 90% સોનું વિદેશથી આયાત કરે છે. દર વર્ષે ભારત 700-800 ટન સોનું આયાત કરે છે, જેના કારણે નાણાકીય વર્ષ 2025-26માં દેશની તિજોરી પર 72 અબજ ડોલરનો ભારે બોજ પડ્યો હતો. ક્રૂડ ઓઈલ પછી આ દેશની બીજા ક્રમની સૌથી મોટી આયાતી વસ્તુ છે.

ફિઝિકલ ગોલ્ડ: ગ્રાહકોએ ઈમ્પોર્ટ ડ્યુટી અલગથી ચૂકવવી પડતી નથી, કારણ કે જ્વેલર્સ તેને સોનાના ભાવમાં જ ઉમેરી દે છે. ભાવમાં અચાનક આવેલા ઉછાળા પછી શો-રૂમ પર લગ્નની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

ગોલ્ડ ETFs: મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરવામાં આવતા ગોલ્ડ ઈટીએફના ભાવમાં આ ફેરફાર થોડો સમય રોકાઈને રિફ્લેક્ટ (લાગુ) થશે, તેથી રોકાણકારોએ તરત જ પોઝિશન બનાવવા માટે ઈટીએફમાં નાણાં રોક્યા.

ડિજિટલ ગોલ્ડ: ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને રિફાઈનર્સ દ્વારા ડિજિટલ ગોલ્ડ યુનિટ્સની પણ ટૂંકાગાળા માટે જબરદસ્ત ખરીદી કરવામાં આવી.

નિષ્ણાતોના મતે, રૂપિયાના અવમૂલ્યન (Devaluation) અને હાઈ ઈમ્પોર્ટ ડ્યુટીએ બજારમાં અનિશ્ચિતતા ચોક્કસપણે વધારી છે પરંતુ સોનું આજે પણ સૌથી ભરોસાપાત્ર એસેટ (મિલકત) છે. બીજી તરફ, માલાબાર ગ્રુપના ચેરમેન એમ પી અહેમદનું માનવું છે કે, આ ડ્યુટી રિવિઝન (સુધારા) ને કારણે પહેલીવાર ખરીદી કરનારા અને રોકાણના હેતુથી આવતા ગ્રાહકો થોડા સમય માટે રોકાઈને પોતાની વ્યૂહરચના બદલી રહ્યા છે.

મોંઘા સોનાના કારણે હવે લોકો ભારે જ્વેલરીના બદલે ઓછા વજનવાળા દાગીના ખરીદી રહ્યા છે. જ્વેલર્સનું કહેવું છે કે, ગ્રાહકો બજેટ સાચવવા માટે ઓછા વજનની જ્વેલરી પસંદ કરી રહ્યા છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, ખરીદી કરતી વખતે હોલમાર્ક અને ક્વોલિટી (ગુણવત્તા) નું ધ્યાન ચોક્કસ રાખો. જ્વેલર્સ સલાહ આપે છે કે, લાઈટ વેઈટ (હલકા વજનની) જ્વેલરી ખરીદતી વખતે તેની મજબૂતાઈ જેવી કે ક્લેસ્પ (હૂક), પ્રોંગ્સ અને લિંક્સની તપાસ કરી લેવી જોઈએ, જેથી તે લાંબો સમય ટકી શકે. જૂનું સોનું એક્સચેન્જ (બદલી) કરતી વખતે તમારી પાસે ઓરિજિનલ ઇન્વોઇસ (બિલ) અને સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, અન્યથા મેકિંગ ચાર્જ અને વર્તમાન માર્કેટ રેટ મુજબ વધુ કપાત થઈ શકે છે.