
ભારતીય રેલવેએ યાત્રિકોની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ તમામ યાત્રિકોના કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયની જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી છે. તેમણે કહ્યું કે, યાત્રિકોની પ્રાથમિકતા આપતા ભારતીય રેલવેએ તમામ 74,000 કોચ અને 15,000 એન્જિનોમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ઉત્તર રેલવેમાં પાયલોટ ધોરણે સ્થાપિત સીસીટીવી કેમેરાના ફાયદાઓની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર યાત્રિકોની ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે સીસીટીવી કેમેરા દરવાજાની પાસે પણ લગાવવામાં આવશે.

ટ્રેનમાં કેમેરા ક્યાં લગાવવામાં આવશે? યાત્રિકોના કોચમાં કુલ 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાંથી પ્રત્યેક દરવાજાની એન્ટ્રી પર 2 કેમેરા લગાવવામાં આવશે. દરેક એન્જિનમાં 6 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેમાં એક એન્જિનની આગળ અને પાછળ બંન્ને બાજુ એક -એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

તો ચાલો હવે જાણી લઈએ કે, ટ્રેનમાં સીસીટીવી લગાવવાના ફાયદા શું છે. તો તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે દુનિયાની સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. ભારતીય રેલવેમાં મેલ,એક્સપ્રેસ,પેસેન્જર જેવી ટ્રેનો સામેલ છે.ભારતીય રેલવેમાં દરરોજ અંદાજે 2.4 કરોડ લોકો મુસાફરી કરે છે.

સીસીટીવી કેમેરા ટ્રેનમાં લગાવવાથી છેડતી,પજવણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરે છે.

તબીબી કટોકટી, આગ અથવા કોઈપણ અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં, સીસીટીવી ફૂટેજ ઘટનાની પરિસ્થિતિને સમજવામાં મદદ કરી શકે છે અને અધિકારીઓને ઝડપથી અને અસરકારક રીતે પ્રતિભાવ આપવામાં મદદ કરી શકે છે.
Published On - 1:36 pm, Wed, 16 July 25