
T20 સિરીઝની કડવી યાદોને ભૂલી જાઓ કારણ કે હવે ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. વનડેમાં રોહિત અને વિરાટનો જલવો જોવા મળશે. રોહિત શર્મા માટે આ વનડે સિરીઝ અદ્ભુત સાબિત થઈ શકે છે, કારણ કે આમાં માત્ર એક સદી ફટકારતા જ તે ઘણા કમાલ તો કરશે જ, સાથે સાથે કેટલાક મોટા રેકોર્ડ્સ અને સિદ્ધિઓની નવી ગાથા પણ લખશે.

રોહિત શર્માએ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના બાકીના સભ્યો સાથે કમર કસીને વનડે સિરીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં એક સદી લગાવતા જ રોહિત 3 મોટા કમાલ કરશે. પહેલો કમાલ: તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય ઓપનર (ઓપનિંગ બેટ્સમેન) બની જશે. બીજો કમાલ: 39 વર્ષની ઉંમરે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બનશે. ત્રીજો કમાલ: તે ઇંગ્લેન્ડની ધરતી પર સર ડોન બ્રેડમેન પછી 10 સદી ફટકારનાર દુનિયાનો બીજો વિદેશી બેટ્સમેન બની શકે છે.

રોહિત શર્મા જો 3 વનડે મેચોની આ સિરીઝમાં ૨ સદી ફટકારી દેશે, તો તે ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની જશે.

આ સિવાય રોહિત શર્મા પાસે વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ સિક્સર (છગ્ગા) મારનાર ભારતીય બનવાની અને સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર બનવાની પણ સુવર્ણ તક હશે. આ રેકોર્ડ માટે રોહિત શર્માએ સિરીઝમાં માત્ર 1 છગ્ગો મારવો પડશે અને 178 રન બનાવવા પડશે.

જો રોહિત શર્મા આ વનડે સિરીઝમાં 8 સિક્સર ફટકારે છે, તો તે વનડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ સિક્સર મારનાર વિદેશી બેટ્સમેન બની શકે છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં પોતાના 12,000 રન પૂરા કરવાથી માત્ર 280 રન દૂર છે. (All Image Credit: PTI)