
વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે 1 સપ્ટેમ્બરથી એરપોર્ટ પર એક મોટો અને મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતથી વિદેશ જતા પ્રવાસીઓએ હવે એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના કાગળવાળા (ફિઝિકલ) બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ (સિક્કો) મરાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો પોતાના સ્માર્ટફોનમાં રહેલો ઈ-બોર્ડિંગ પાસ (e-Boarding Pass) બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવી શકશે. સત્તાવાર સૂત્રો અને સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ આ મહત્વની માહિતી સામે આવી છે.

ફિઝિકલ બોર્ડિંગ પાસ પર નહીં લાગે સિક્કો: ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત 'બ્યુરો ઓફ ઇમિગ્રેશન' (BOI) દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સત્તાવાળાઓને આ અંગે જરૂરી નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિઝિકલ બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશનનો સિક્કો લગાવવાની પરંપરાગત પદ્ધતિથી મુસાફરોને લાંબી લાઇનો અને અસુવિધાનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત ઘણીવાર બોર્ડિંગ પાસ પર અસ્પષ્ટ કે ખોટો સ્ટેમ્પ લાગવાથી તેને વાંચવામાં પડતી મુશ્કેલીઓની ફરિયાદો પણ ઉઠતી હતી. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે BOI દ્વારા ઇમિગ્રેશન કાઉન્ટર પર ફિઝિકલ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાગળવાળો બોર્ડિંગ પાસ પણ માન્ય રહેશે: જોકે, તેનો અર્થ એવો બિલકુલ નથી કે કાગળનો બોર્ડિંગ પાસ સંપૂર્ણપણે બંધ થઈ જશે. જે મુસાફરો ઈચ્છે તેઓ ફિઝિકલ બોર્ડિંગ પાસનો ઉપયોગ કરી શકશે, પરંતુ 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન અધિકારીઓ તેના પર સિક્કો લગાવશે નહીં. મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના મોબાઇલ ફોનમાં રહેલો ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ રજૂ કરવાનો રહેશે.

CISF નું સ્ટેમ્પિંગ અગાઉથી જ બંધ છે: સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, CISF દ્વારા ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ મુસાફરોના બોર્ડિંગ પાસ પર સુરક્ષા તપાસ (સિક્યોરિટી ચેક) દરમિયાન સિક્કો મારવાની પ્રક્રિયા વર્ષો પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી બોર્ડિંગ પાસનો મુખ્ય ઉપયોગ ઇમિગ્રેશન ક્લિયરન્સ વખતે થતો હતો, જે હવે સંપૂર્ણપણે ડિજિટલ બની જશે.

ભારતીય પાસપોર્ટ ધારકો માટે પણ ટૂંક સમયમાં મોટો સુધારો: અધિકારીઓએ ઉમેર્યું હતું કે ભારતીય પાસપોર્ટ ધારકો માટે પાસપોર્ટ પર લાગતા ઇમિગ્રેશન એન્ટ્રી અને એક્ઝિટ સ્ટેમ્પને પણ નાબૂદ કરવા માટે એક પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ સુવિધા લાગુ થવાની શક્યતા છે. એટલે કે આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે એરપોર્ટ પ્રક્રિયા સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ બની જશે.
Published On - 5:35 pm, Sat, 22 August 26