
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કર) કલેક્શનમાં જોરદાર વધારો નોંધાયો છે. સરકારી આંકડાઓ અનુસાર, 10 ઓગસ્ટ સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 23.09 ટકા વધીને રૂ. 8.11 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ આંકડો આશરે રૂ. 6.59 લાખ કરોડ હતો.

બીજી તરફ, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.75 ટકા વધીને રૂ. 9.55 લાખ કરોડ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન સરકારે રૂ. 1.43 લાખ કરોડના ટેક્સ રિફંડ પણ જાહેર કર્યા છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં 3.79 ટકા વધુ છે.

કોર્પોરેટ ટેક્સથી પણ વધી કમાણી: આંકડાઓ અનુસાર, નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 2.70 લાખ કરોડ થઈ ગયું છે, જે ગયા વર્ષે 10 ઓગસ્ટ સુધી રૂ. 2.26 લાખ કરોડ હતું.

આ જ રીતે, નેટ નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન પણ વધીને રૂ. 5.07 લાખ કરોડ થયું છે, જે એક વર્ષ પહેલાં રૂ. 4.11 લાખ કરોડ નોંધાયું હતું. નોન-કોર્પોરેટ ટેક્સમાં વ્યક્તિગત કરદાતાઓ (ઇન્ડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ) સહિત અન્ય કેટલીક શ્રેણીઓમાંથી મળતો ટેક્સ સામેલ હોય છે.

STT કલેક્શનમાં 51 ટકાનો મોટો ઉછાળો : શેરબજારમાં થતા લેવડ-દેવડ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) થી પણ સરકારની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. 10 ઓગસ્ટ સુધીમાં નેટ STT કલેક્શન રૂ. 33,823.74 કરોડ રહ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે રૂ. 22,354.31 કરોડ હતું, એટલે કે તેમાં આશરે 51 ટકાનો વધારો થયો છે.

ગ્રોસ કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ ટેક્સના આંકડા : ગ્રોસ આધારે પણ કોર્પોરેટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 3.80 લાખ કરોડ થઈ ગયું છે, જે ગયા વર્ષે રૂ. 3.32 લાખ કરોડ હતું. આ જ રીતે, ગ્રોસ નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 4.43 લાખ કરોડથી વધીને રૂ. 5.41 લાખ કરોડ નોંધાયું છે. ગ્રોસ STT કલેક્શન પણ રૂ. 22,354.31 કરોડથી વધીને રૂ. 33,823.74 કરોડ રહ્યું છે.

કોના તરફથી કેટલો ટેક્સ મળ્યો? સરકારી આંકડાઓ અનુસાર, ટેક્સ રિફંડ આપતા પહેલાંનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગયા વર્ષે 10 ઓગસ્ટ સુધીના રૂ. 7.97 લાખ કરોડથી રૂ. 1.57 લાખ કરોડ વધીને આ વર્ષે રૂ. 9.55 લાખ કરોડ પહોંચી ગયું છે.

આ આંકડાઓમાં વિવિધ કંપનીઓની સાથે-સાથે વ્યક્તિગત કરદાતાઓ, હિંદુ અવિભક્ત પરિવાર (HUF), ફર્મ, એસોસિએશન ઓફ પર્સન્સ (AOP), બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ (BOI), સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અન્ય કાનૂની સંસ્થાઓ પાસેથી મળેલા ટેક્સનો સમાવેશ થાય છે.
Published On - 9:58 pm, Wed, 12 August 26