
લોકો અવારનવાર નોકરી બદલતી વખતે પોતાનું સેલેરી એકાઉન્ટ પણ બદલી નાખતા હોય છે. આમ કરવું ભલે ખૂબ જ નાની કે સામાન્ય બાબત લાગે પરંતુ આવું કરવાથી ભવિષ્યમાં તમને તમારા પીએફ (PF) ના પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે.

ખોટી અથવા અપડેટ ન કરવામાં આવેલી બેંક વિગતોને કારણે તમારો પીએફ (PF) ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી માહિતી સુધારીને ફરીથી અરજી કરવી પડે છે, જેના કારણે પીએફના પૈસા મેળવવામાં વિલંબ થાય છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે, તમે તમારી તમામ બેંક વિગતો પહેલાથી જ અપડેટ કરી લો, જેથી ભવિષ્યમાં તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

બીજું કે, જ્યારે પણ તમે તમારી નોકરી અથવા બેંક બદલો છો, ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, તમે તમારું નવું એકાઉન્ટ EPFO માં પણ અપડેટ કરો. જો તમે આમ નહીં કરો, તો પીએફ (PF) ના પૈસા ઉપાડતી વખતે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

પીએફ ખાતામાં તમારી નવી વિગતો આપમેળે અપડેટ થતી નથી. નોકરી બદલતી વખતે તમારો એમ્પ્લોયર (માલિક) સેલેરી રેકોર્ડ તો અપડેટ કરી શકે છે પરંતુ તમારું ઈપીએફ (EPF) ખાતું અલગ રીતે કામ કરે છે. એવામાં જ્યાં સુધી તમે પોતે તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે જોડાયેલી વિગતો અપડેટ નહીં કરો, ત્યાં સુધી તમારી માહિતી અપડેટ થશે નહીં.

એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે, જે ખાતું તમે તમારા પીએફ (PF) એકાઉન્ટ સાથે લિંક કર્યું છે, તે હંમેશા ચાલુ (Active) હોય. જો બેંક ખાતું બંધ હશે તો તમારો પીએફ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. આવું થવાથી તમારા જમા થયેલા તમામ પૈસા જોખમમાં મુકાઈ શકે છે.

ઈપીએફઓ (EPFO) મેમ્બર ઈ-સેવા પોર્ટલ પર જઈને તમારા યુએન (UAN) સાથે લિંક થયેલા ખાતાની વિગતો તપાસો. આ સિવાય એ વાતની પણ ખાતરી કરી લો કે, તમારું પાન (PAN) અને આધાર (Aadhaar) બંને વેરિફાઈડ હોય. જો વિગતોમાં કોઈ ભૂલ હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરો, કારણ કે એક નાની ભૂલ પણ તમારા પીએફ (PF) એકાઉન્ટમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

ઈપીએફઓ (EPFO) માં ખાતું અપડેટ કરવા માટે કેટલાંક સ્ટેપ્સ જરૂરથી ફોલો કરો. સૌ પ્રથમ ઈપીએફઓ ઈ-સેવા પોર્ટલના ‘Manage’ સેક્શનમાં જાઓ અને ‘KYC’ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમને તમારી વિગતો જોવા મળશે. ત્યાં તમે તમારો નવો બેંક એકાઉન્ટ નંબર અને તેનો IFSC કોડ અપડેટ કરી શકો છો.

ધ્યાન રાખો કે, કોઈ પણ પ્રકારની ટાઈપિંગ ભૂલ ન થાય, અન્યથા અપડેટ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. આ સાથે જ, તમારે તમારા કેન્સલ ચેક (Cancelled Check) નો ફોટો પણ અપલોડ કરવો પડી શકે છે.

આ રીતે તમે અપડેટ માટેની વિનંતી (Request) મોકલી શકો છો. આ વિનંતી સીધી તમારા એમ્પ્લોયર (માલિક) પાસે જાય છે, જેઓ તેને પોતાની રીતે મંજૂરી (Approve) આપે છે. એમ્પ્લોયરની મંજૂરી વિના વિગતો અપડેટ થતી નથી. જો આ પ્રક્રિયામાં વિલંબ થાય, તો તમે તમારા એચઆર (HR) વિભાગનો સંપર્ક કરી તમારી સમસ્યા જણાવી શકો છો.