
એક UPI વ્યવહાર માટે બે વાર પૈસા કાપવાથી તણાવપૂર્ણ બની શકે છે, ભલે ચુકવણી સફળ લાગે. જો કે, ગભરાવાની જરૂર નથી; કાપવામાં આવેલી વધારાની રકમ સુરક્ષિત રહે છે અને સિસ્ટમ દ્વારા સરળતાથી રિફંડ કરવામાં આવે છે.

UPI ભારતમાં ડિજિટલ ચુકવણી માટે સૌથી લોકપ્રિય અને અનુકૂળ પદ્ધતિ બની ગઈ છે. સ્થાનિક ફેરિયા, લારીગલ્લા વાળા કે કરિયાણાની દુકાનોથી લઈને મોટા મોલ્સ સુધી, દરેક વ્યક્તિ ફક્ત એક જ ક્લિકથી UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છે. જો કે, નેટવર્ક ગ્લિચ, સર્વરમાં રહેલ ખામી અથવા એપ્લિકેશન ધીમી કામગીરી કરતી હોય તેવી સમસ્યાઓમાં, ક્યારેક એક જ વ્યવહાર માટે બેંક ખાતામાંથી બે વાર (ડબલ ડેબિટ) રૂપિયા કાપવામાં આવી શકે છે.

જો એક જ UPI વ્યવહાર દ્વારા બે વાર રૂપિયા કપાઈ જાય તો, ઉપયોગકર્તા ઘણીવાર ગભરાઈ જાય છે, ચિંતા કરે કે તેમના મહેનત રૂપિયા બે વાર ખાતામાંથી કપાઈ ગયા. જો તમે ક્યારેય આ સમસ્યાનો સામનો કરો છો, તો તે સમજવું મહત્વપૂર્ણ છે કે, બીજીવાર ખાતામાંથી કપાયેલા રૂપિયા જાય છે ક્યાં, RBI અને NPCI ના આ અંગે કેવા નિયમો છે, તમે કેવી રીતે સરળતાથી રિફંડ મેળવી શકો .

જ્યારે UPI વ્યવહાર દરમિયાન તમારા ખાતામાંથી બે વાર રકમ કાપવામાં આવે છે, ત્યારે બીજીવાર કાપેલી રકમ સામાન્ય રીતે વેપારી અથવા પ્રાપ્તકર્તાને ટ્રાન્સફર કરવામાં આવતી નથી. તેના બદલે, બીજીવાર એકાઉન્ટમાંથી કપાયેલા રૂપિયા સસ્પેન્સ એકાઉન્ટ અથવા બેંકિંગ ચેનલ અને પેમેન્ટ ગેટવે વચ્ચેના મધ્યવર્તી પૂલમાં અટવાઈ જાય છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, આવા નિષ્ફળ અથવા ડબલ-ડેબિટ વ્યવહારો માટે ઓટો-રિવર્સલ મિકેનિઝમ કાર્યરત છે. મોટાભાગના કિસ્સાઓમાં, સિસ્ટમ આપમેળે આ તકનીકી ખામી શોધી કાઢે છે, અને કાપેલી રકમ 24 થી 48 કલાકની અંદર તમારા મૂળ બેંક ખાતામાં પાછી જમા થઈ જાય છે.

જો કાપેલી રકમ 24 થી 48 કલાકની અંદર આપમેળે પરત ના થાય, તો તમારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સૌ પ્રથમ, તમે જે UPI એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે ( જેમ કે PhonePe, Google Pay, Paytm, અથવા BHIM) તેના 'Transaction History' વિભાગ પર જાઓ. સંબંધિત વ્યવહાર પસંદ કરો, 'HELP' અથવા 'Report an Issu' વિકલ્પ પર ક્લિક કરો, અને "Double Debit" સંબંધિત ફરિયાદ નોંધાવો. વૈકલ્પિક રીતે, તમે તમારી બેંકના ગ્રાહક સંભાળ અથવા નેટ બેંકિંગ પોર્ટલ દ્વારા સીધા જ વિવાદ ઉઠાવી શકો છો. ફરિયાદ નોંધાવતી વખતે Transaction ID અને UPI સંદર્ભ નંબર (UTR - UPI Reference Number ) હાથવગો રાખો, કારણ કે બેંકને તપાસ માટે આ વિગતોની જરૂર છે.

RBI માર્ગદર્શિકા અનુસાર, બેંકોએ 'T+1' કાર્યકારી દિવસોમાં (એટલે કે, વ્યવહાર પછીના આગામી કાર્યકારી દિવસે) નિષ્ફળ અથવા ભૂલભરેલા ડબલ UPI વ્યવહારોનું નિરાકરણ કરવું જરૂરી છે. જો બેંક નિર્ધારિત સમયમર્યાદામાં ગ્રાહકના પૈસા પરત કરવામાં નિષ્ફળ જાય, તો બેંક દ્વારા ગ્રાહકને દરરોજ વળતર ચૂકવવાની જોગવાઈ છે.

જો એપ્લિકેશન અથવા બેંકમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ તમારી સમસ્યાનો ઉકેલ ન આવે, તો તમે સત્તાવાર NPCI પોર્ટલ (npci.org.in) પર 'વિવાદ નિવારણ મિકેનિઝમ' હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. જો 30 દિવસની અંદર પણ મામલો ઉકેલાય નહીં, તો તમે RBI બેંકિંગ લોકપાલ પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
Published On - 2:31 pm, Mon, 3 August 26