
નાણાકીય વર્ષ 2025-26થી ઇન્કમ ટેક્સ રિટર્નમાં 'શેડ્યૂલ VDA' નામના નવા સેકશનમાં ક્રિપ્ટો ઇન્કમ દર્શાવવી ફરજિયાત બની ગઈ છે. અહીંયા તમારે દરેક ટ્રાન્ઝેક્શનની તારીખ, ખરીદી અને વેચાણની કિંમત તેમજ નફાનું સ્ટેટમેન્ટ આપવું પડશે.

બીજી તરફ, જો રોકાણકાર દ્વારા ક્રિપ્ટો ઇન્કમ છુપાવવામાં આવે છે અને તેની જાણ જો ટેક્સ દરોડા અથવા તપાસ થકી બહાર આવે છે, તો તેના પર 60 ટકા ટેક્સ, સેસ અને સરચાર્જ વસૂલવામાં આવશે. આ નવો નિયમ કલમ 158B હેઠળ ઉમેરવામાં આવ્યો છે. ટેક્સ ચોરીના કેસમાં 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ પણ થઈ શકે છે.

કોઈન ટેલિગ્રાફના અહેવાલ મુજબ, 1 ટકા ટીડીએસ લાગુ થયા પછી લાખો ભારતીય યુઝર્સ સ્થાનિક એક્સચેન્જ છોડીને વિદેશી પ્લેટફોર્મ તરફ વળ્યા છે. આનાથી ભારતની સરકારને ટેક્સમાં ભારે નુકસાન થયું છે અને એમાંય લોકલ ક્રિપ્ટો બજાર નબળું પડ્યું છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, ભારતીય રોકાણકારો આવું કેમ કરી રહ્યા છે? વાસ્તવમાં, સિંગાપોર, દુબઈ જેવા દેશોમાં ક્રિપ્ટોની ઇન્કમ પર કોઈ ટેક્સ નથી, જ્યારે ભારતમાં તેને જુગાર અને સટ્ટા જેવી આવક સમજવામાં આવે છે અને તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે.

લોન્ગ ટર્મના રોકાણ પર કોઈ જ છૂટ નથી અને ન તો નુકસાનની ભરપાઈ કરવાની સુવિધા છે. જો કે, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જોમાં આ નિયમો જોવા મળતા નથી.