જામનગરમાં ભોઈ જ્ઞાતિના વડીલોએ આજથી 68 વર્ષ પહેલા હોળિકાનું વિશાળ પૂતળુ બનાવી સમાજ અને દુનિયાને સનાતન ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો
અન્યાય પર ન્યાય, અસત્ય પર સત્યની જીતને યાદગાર બનાવતો આ પ્રસંગની ભોઈ સમાજ દ્વારા એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
વિશ્વના સૌથી મોટા હોલિકા ઉત્સવની પ્રકૃતિને અનુરૂપ સામગ્રી દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જેમા ત્રણ થી ચાર ટનનું 25 ફુટ ઉંચુ હોળિકા માતાનું પૂતળુ બનાવવામાં આવે છે.
આ વિશાળકાય હોળિકાના પૂતળાને બનાવવામાં ઘાસ,લાકડું, કોથળા, કાગળ, કલર,અલગ અલગ પ્રકારના આભુષણો, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.
હોળિકા માતાના તૈયાર કરવામાં આવેલા આ વિશાળ પૂતળાને ધામધૂમ સાથે વાજતે-ગાજતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોળિકા ચોકમાં શહેરીજનોના દર્શન માટે મુકવામાં આવે છે.
હોળિકા બનાવવા ભરતભાઈ ગોંડલિયા માર્ગદર્શન પુરુ પાડે છે, જ્યારે તેમના સુંદર આભૂષણો બનાવવામાં અલ્પેશ વોરાની ટીમ જહેમત ઉઠાવે છે.
પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોળિકાનું પૂતળુ તૈયાર કરે છે.
સાંજના સમયે આમંત્રિત મહેમાનો દ્વારા હોળિકાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે રવિવારે સાંજના સમયે હોળિકાનું દહન થશે. હજારોની સંખ્યામાં લોકો હોળિકા માતાના દર્શને પહોંચે છે અને અસત્ય પર સત્યની જીતના સાક્ષી બને છે. સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરાવતો હોળિકા મહોત્સવ ભોઈજ્ઞાતિ દ્વારા ઉજવવામાં આવે છે. જે વિશ્વવિખ્યાત બન્યો છે.
Published On - 5:48 pm, Sat, 23 March 24