
આ મૂર્તિની સ્થાપનાની પાવન વિધિ માટે ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905ની આસો વદ પાંચમના પવિત્ર દિવસે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં આશરે 200 સ્વામિનારાયણ સંતો તથા 25 બ્રાહ્મણો હાજર રહ્યા. આ ઉપસ્થિતિમાં હનુમાનજીની નવિન મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિવત રીતે કરાવવામાં આવી, જે આજના કષ્ટભંજનદેવ તરીકે વિખ્યાત છે.

"કષ્ટભંજનદેવ" નો અર્થ થાય છે "ભય, દુઃખ અને અંધકારનો વિનાશ કરનાર". લોકો માને છે કે અહીંના હનુમાનજી દુષ્ટ આત્માઓ અને અશુભ શક્તિઓનો નાશ કરે છે.

મંદિરમાં હનુમાનજીની મૂર્તિ એવી છે જેમાં તેઓ રાક્ષસ પર પગ મૂકીને દુષ્ટ શક્તિનો નાશ કરી રહ્યા છે. આ વિઘ્નવિનાશક સ્વરૂપના કારણે લોકો અહીં તાંત્રિક પ્રભાવમાંથી મુક્તિ મેળવવા આવે છે.

શ્રી હનુમાનજી મહારાજની પૂજા માટે પુજારીને ચોક્કસ શિસ્તનું પાલન કરવું જરૂરી હોય છે. પૂજા કરતા પહેલા સંપૂર્ણ રીતે સ્નાન કરવું પડતું હોય છે, અને જો આ સમયે કોઇ સાધુ કે બીજી વ્યક્તિ અડી જાય તો પુજારીએ ફરીથી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રધારણ કરવા પડે છે. આ મંદિરમાં દર વર્ષે 20 થી વધુ વખત ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવે છે.

સાળંગપુર માત્ર એક ગામ નથી, પણ ધાર્મિક શ્રદ્ધા અને શક્તિનું કેન્દ્ર છે. કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર આસ્થાનું સ્થાન છે. તેનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધારે ઘડાયો છે અને આજે પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Published On - 7:00 am, Mon, 26 May 25