
પર્સનલ કેર સેક્ટરની કંપનીના શેરહોલ્ડર્સને નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રત્યેક શેર પર 60 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ મળવા જઈ રહ્યું છે. આના માટેની રેકોર્ડ ડેટ 24 ઓગસ્ટ છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડ્સમાં હશે, તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે. જણાવી દઈએ કે, કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.

જિલેટ ઈન્ડિયાની માલિકી અમેરિકાની મલ્ટિનેશનલ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) પાસે છે. ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત મે મહિનામાં થઈ હતી. આ ડિવિડન્ડ પર શેરહોલ્ડર્સની મંજૂરી 31 ઓગસ્ટે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં લેવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ પેમેન્ટ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં કરી દેવામાં આવશે.

આ પહેલા જિલેટ ઈન્ડિયા નાણાકીય વર્ષ 2026 માટે 120 રૂપિયાનું અંતરિમ અને 60 રૂપિયા પ્રતિ શેરનું સ્પેશિયલ ડિવિડન્ડ આપી ચૂકી છે. નાણાકીય વર્ષ 2025 માટે કંપનીએ 65 રૂપિયાનું અંતરિમ અને 47 રૂપિયા પ્રતિ શેરનું ફાઈનલ ડિવિડન્ડ આપ્યું હતું. જિલેટ ઈન્ડિયા વર્ષ 2001 થી ડિવિડન્ડ આપી રહી છે.

કંપનીના શેરની વર્તમાન કિંમત BSE પર 7678.85 રૂપિયા છે. શેર BSE 500 ઈન્ડેક્સનો હિસ્સો છે. જો કે, કિંમત છેલ્લા એક વર્ષમાં 28 ટકા નીચે આવી છે. કંપનીની માર્કેટ કેપ 25,000 કરોડ રૂપિયાથી વધુ છે. જિલેટ ઈન્ડિયામાં જૂન 2026ના અંત સુધી પ્રમોટર્સ પાસે 75 ટકા હિસ્સેદારી હતી. શેરનો BSE પર 52 સપ્તાહનો એડજસ્ટેડ હાઈ 10,799.95 રૂપિયા અને એડજસ્ટેડ લો (Low) 7,236.20 રૂપિયા છે.

જિલેટ ઈન્ડિયાનો એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિકમાં નફો વાર્ષિક ધોરણે 9.44 ટકા વધીને 159.45 કરોડ રૂપિયા થઈ ગયો. એક વર્ષ પહેલા નફો 145.69 કરોડ રૂપિયા હતો. ઓપરેશન્સથી રેવેન્યુ લગભગ 11 ટકાના વધારા સાથે 783.02 કરોડ રૂપિયા થઈ ગયું, જે જૂન 2025 ત્રિમાસિકમાં 706.72 કરોડ રૂપિયા હતું. ખર્ચ 574.22 કરોડ રૂપિયા રહ્યો, જે જૂન 2025 ત્રિમાસિકમાં 517.97 કરોડ રૂપિયા હતો.