રાજ્યમાં વધી રહેલા ગુનાખોરીના પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા અસામાજિક તત્ત્વો સામે સખત પગલાં ભરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી.
આ બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી કે આગામી 100 કલાકની અંદર દરેક પોલીસ સ્ટેશન દ્વારા તેમના વિસ્તારમાં ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદીમાં ખાસ કરીને શરીરસબંધી ગુનાઓ, ખંડણી, ધમકી, મિલકત સામેના ગુનાઓ, પ્રોહિબિશન, જુગાર, ખનીજચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વોને સામેલ કરવાનું રહેશે.
પોલીસ વડાએ આ યાદી તૈયાર થયા બાદ વહીવટી તંત્ર સાથે સંકલન કરી કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું, સરકારી જમીન પરના અયોગ્ય કબજાને હટાવવાનું, ગેરકાયદે વીજ કનેકશન સામે કાર્યવાહી કરવાનું અને નાણાકીય ગેરવ્યવહાર અંગે ચકાસણી કરવાનું પણ શામેલ છે.
તદુપરાંત, ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા તત્ત્વો જો ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પકડાય તો તેમના જામીન રદ કરવા, પાસા તથા તડીપાર જેવી કાયદેસર જોગવાઈઓનો ઉપયોગ કરવા અને ભાડૂત રજિસ્ટ્રેશન નહીં કરનાર સામે પણ પગલાં ભરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પોલીસ વડાએ રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ આદેશોના કડક અમલ માટે વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા અને તુરંત કાર્યવાહી સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું છે.
Published On - 5:48 pm, Sat, 15 March 25