
2026ની ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતા હવે માત્ર પક્ષના નામે નહીં, પણ ઉમેદવારના કામ અને છબીના આધારે વોટ આપે છે. મોટા માથાઓની હારે રાજકીય પક્ષોને ઊંઘતા ઝડપ્યા છે.

AAPમાંથી જીતીને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીને જનતાએ સ્વીકાર્યા નથી. વિસાવદર બેઠક પરના જાણીતો ભેસાણ જિલ્લા પંચાયતમાં નિષ્ફળ રહ્યા અને પક્ષપલટાનો ડાઘ તેમને હાર તરફ દોરી ગયો.

પૂર્વ IPS મનોજ નિનામાએ નિવૃત્તિના થોડા સમય પહેલા જ VRS લઈ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. જોકે, અરવલ્લીની જનતાએ વહીવટી અનુભવને રાજકીય સફળતામાં બદલવાની તક ન આપી અને તેમને 2700 મતોથી પરાજય આપ્યો.

લોકગાયક માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરને ભાજપે સેલિબ્રિટી ફેક્ટર તરીકે ઉતાર્યા હતા. પરંતુ અમરેલીના મતદારોએ સાબિત કર્યું કે પંચાયતના પ્રશ્નો ઉકેલવા માટે ગ્લેમર નહીં, પણ ગ્રાઉન્ડ વર્ક જરૂરી છે.

રાજકોટમાં નયનાબા જાડેજાની હાર સૌથી વધુ ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ભાઈ અને રીવાબા જેવા મંત્રી ભાભી હોવા છતાં, કોંગ્રેસની ટિકિટ પર લડતા નયનાબાને ભાજપના ગઢમાં પરાજય મળ્યો.

ક્ષત્રિય આંદોલનથી ગાયત્રીબા વાધેલાનો ચહેરો જાણીતો થયો હતો, મતદારોએ આ જાણીતા ચહેરેને વધુ જાણીતો કરવાને બદલે ઘરે બેસાડવાનું નક્કી કર્યું અને અતુલ રજાની જેવા દિગ્ગજોની હાર પાછળ પક્ષની આંતરિક ખેંચતાણ જવાબદાર હોવાનું મનાય છે. જૂના જોગીઓ હારતા કોંગ્રેસના રણનીતિકારોમાં ચિંતા વધી છે.

રાજકોટમાં કોંગ્રેસે RJ આભાને મેદાનમાં ઉતારી 'યુવા કાર્ડ' ખેલ્યું હતું. ડિજિટલ પ્લેટફોર્મ પર હજારો ફોલોઅર્સ હોવા છતાં, તે ફોલોઅર્સ વોટમાં પરિવર્તિત ન થયા અને તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો.

સુરત મનપામાં AAP ની ઓળખ સમાન મનોજ સોરઠીયા અને પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાની હાર પક્ષ માટે મોટો ફટકો છે. પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં પણ AAP ના જૂના જાદુનો અંત આવતો જણાય છે.

એકતરફ મોટા નેતાઓ હાર્યા છે, ત્યારે બીજી તરફ ગોપાલ ઈટાલિયાના ગઢ વિસાવદરમાં AAP એ 18 માંથી 11 બેઠકો જીતીને પંચાયત કબજે કરી છે.

મહીસાગર જિલ્લા પંચાયતની વીરણીયા બેઠક પર ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ ભરતસિંહની હાર સાબિત કરે છે કે હવે જનતા 'નેતાના સગા' હોવાના ટેગને નકારી રહી છે; વંશવાદ અને ભલામણના જોરે ચૂંટણી જીતવાના દિવસો હવે પૂરા થઈ ગયા છે.