
જમ્યા પછી કેટલીક સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું પાચનતંત્ર માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે. સામાન્ય રીતે ઘણા લોકોને રાત્રે ભોજન કર્યા પછી મીઠાઈ ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે અને તેના કારણે તેઓ વધુ પ્રમાણમાં ગળી વસ્તુઓ ખાઈ લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

રસોડામાં માત્ર સ્વાદ વધારવા માટે વપરાતો એક નાનો દાણો એટલે કે લીલી એલચી, સ્વાસ્થ્ય માટે ઔષધ સમાન છે. એલચી પોતાની ઉત્તમ સુગંધ અને સ્વાદની સાથે-સાથે પાચન અને મોંના સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. રાત્રે ડિનર કર્યા પછી નિયમિત રીતે લીલી એલચી ચાવવાથી શરીરને કયા-કયા અદ્ભુત ફાયદા થાય છે તે જાણીએ. રોજ લીલી એલચી ચાવવાના 5 મુખ્ય ફાયદા

મોંની દુર્ગંધ દૂર કરે: રાત્રે જમ્યા પછી 1 એલચી ચાવવાથી મોંની વાસ કે દુર્ગંધ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. એલચીની તીવ્ર અને કુદરતી સુગંધ મોંને લાંબા સમય સુધી તાજગીસભર રાખે છે.

ગળાને આપે છે તાજગી: ભોજન પછી એક નાની લીલી એલચી ધીમે-ધીમે ચાવવાથી ગળામાં સુધારો થાય છે અને મોં તેમજ ગળા બંનેમાં એક વિશેષ તાજગીનો અહેસાસ રહે છે.

પાચનક્રિયામાં સુધારો: જો રાત્રે ભારે કે તેલવાળો ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું લાગતું હોય તો નિયમિત 1 એલચી ચાવવી જોઈએ. તેનાથી પાચક રસો સક્રિય બને છે અને ભોજન સરળતાથી પચી જાય છે.

એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર: લીલી એલચીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા હોય છે, જે શરીરના કોષોને સ્વસ્થ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.

મીઠાઈ ખાવાની ક્રેવિંગ ઘટાડે: જો તમને પણ ડિનર પછી તરત ગળ્યું ખાવાની ટેવ હોય તો એલચી ઉત્તમ વિકલ્પ છે. એલચીનો કુદરતી મીઠો અને સુગંધિત સ્વાદ સ્વાદગ્રંથિઓને સંતોષ આપે છે, જેથી અનિચ્છનીય મીઠાઈ ખાવાની આદતથી મુક્તિ મળે છે.