
ગૂગલે પોતાના ઉત્કૃષ્ટ નેવિગેશન ટૂલ Ask Maps માં ઘણા નવા અને મહત્વપૂર્ણ ફીચર્સ ઉમેર્યા છે. કંપનીનું કહેવું છે કે ગૂગલ મેપ્સમાં છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયમાં કરવામાં આવેલા સૌથી મોટા અપડેટ્સમાંથી આ એક છે. Ask Maps ને પહેલીવાર માર્ચ મહિનામાં Gemini ની મદદથી શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ફીચર પહેલા કરતાં પણ વધુ ઉપયોગી બની ગયું છે.

હવે હિન્દીમાં પણ પૂછી શકાશે સવાલો: Ask Maps માં હવે હિન્દી ભાષાનું સપોર્ટ પણ ઉમેરી દેવામાં આવ્યું છે. એટલે કે યુઝર્સ હવે અંગ્રેજીને બદલે સામાન્ય રીતે હિન્દી ભાષામાં સવાલો પૂછી શકે છે. આ ફીચર દ્વારા કોઈ જગ્યાની માહિતી, રસ્તો, ફરવા લાયક સ્થળો કે અન્ય ભલામણો સરળતાથી હિન્દીમાં મેળવી શકાશે.

Gmail જોડવાથી મળશે પર્સનલ ભલામણો: ગૂગલે Ask Maps માં 'Personal Intelligence' ફીચર પણ ઉમેર્યું છે. આ માટે યુઝર પોતાના જિમેઈલ (Gmail) એકાઉન્ટને મેપ્સ સાથે કનેક્ટ કરી શકે છે. ત્યારબાદ મેપ્સ યુઝરની હોટેલ બુકિંગ, ફ્લાઈટની માહિતી અને રેસ્ટોરન્ટ રિઝર્વેશન જેવી બાબતોના આધારે વધુ સારા સૂચનો આપી શકશે.

ઉદાહરણ તરીકે, જો તમારી ફ્લાઈટ થોડા કલાકો પછીની હોય, તો Ask Maps તમને આસપાસના ફરવા લાયક સ્થળો બતાવી શકે છે. તેવી જ રીતે, કોઈ હોટેલનું બુકિંગ હોય તો તેની આસપાસ ફરવાની કે જમવાની ઉત્તમ જગ્યાઓનું સૂચન કરી શકે છે. ધ્યાનમાં રાખો કે જિમેઈલ કનેક્શન ડિફોલ્ટ રૂપે બંધ રહે છે, જેને યુઝરે જાતે જ ઓન કરવાનું રહેશે.

જૂની વાતચીત પણ યાદ રાખશે Ask Maps: ગૂગલે Ask Maps માં 'Conversation Memory' ફીચર પણ લોન્ચ કર્યું છે. જો તમારી હિસ્ટ્રી સેટિંગ ઓન હશે, તો આ ફીચર તમારી અગાઉની વાતચીતને યાદ રાખી શકશે. આનો મોટો ફાયદો એ થશે કે જો તમે પહેલાં કોઈ ટ્રિપનું પ્લાનિંગ કર્યું હતું, તો તમારે આખી વાત ફરીથી બતાવવાની જરૂર નહીં પડે. તમે પહેલાં આપેલા સૂચનો કે ફરવાના સ્થળો વિશે સીધો જ આગળનો સવાલ પૂછી શકશો.

ભારતમાં મળશે લાઈવ બસ, મેટ્રો અને ટ્રેન અપડેટ્સ: ભારતના યુઝર્સ માટે સૌથી ખાસ અપડેટ લાઈવ પબ્લિક ટ્રાન્ઝિટ (Live Public Transit) ની માહિતી છે. હવે Ask Maps માં બસ, મેટ્રો અને ટ્રેન સંબંધિત રિયલ-ટાઈમ માહિતી જોઈ શકાશે. આમાં લાઈવ શેડ્યૂલ, ટ્રેન કે બસનું મોડું પડવું, રૂટમાં ફેરફાર અને કનેક્ટિંગ ટ્રાન્સપોર્ટ જેવી માહિતી શામેલ હશે. આનાથી લોકોને મુસાફરીનું યોગ્ય પ્લાનિંગ કરવામાં મદદ મળશે અને દરેક માહિતી માટે વારંવાર અલગ-અલગ સર્ચ કરવાની જરૂર નહીં રહે.

કેટલાક ફીચર્સ હાલમાં માત્ર અમેરિકા માટે: ગૂગલના જણાવ્યા અનુસાર, લાઈવ ટ્રાન્ઝિટ, પર્સનલ ઈન્ટેલિજન્સ અને કોન્વર્ઝેશન મેમરી જેવા ફીચર્સ એ તમામ દેશોમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે જ્યાં Ask Maps ઉપલબ્ધ છે, જેમાં ભારત પણ સામેલ છે. જોકે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા, હોટેલ શોધવા અને ઈવેન્ટ્સનું સૂચન કરવા જેવા કેટલાક નવા AI ફીચર્સ હાલ પૂરતા માત્ર અમેરિકા સુધી જ સીમિત રાખવામાં આવ્યા છે.