
તહેવારોની શોપિંગ શરૂ થાય તે પહેલા જ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના દાગીના પર લાગતા હોલમાર્કિંગ ચાર્જમાં મોટો અને ચૂપચાપ વધારો કરી દીધો છે.

કોઈ મોટા શોરબકોર વગર હોલમાર્કિંગ ફીમાં એકસાથે 67 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યાં પહેલા પ્રતિ આર્ટિકલ માત્ર ₹45 ચૂકવવા પડતા હતા, ત્યાં હવે સીધા ₹75 વસૂલવામાં આવશે.

આ મહત્વપૂર્ણ અને સસ્પેન્સથી ભરેલો બદલાવ 'BIS (હોલમાર્કિંગ) સુધારા નિયમો, 2026' હેઠળ સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ નવી વધારેલી ફી સોનાના તમામ દાગીના તેમજ આર્ટવર્ક પર લાગુ થઈ ગઈ છે, જેના કારણે દરેક આર્ટિકલ પર સીધો ₹30 નો વધારાનો બોજ આવી ગયો છે.

સરકારી કાગળો મુજબ આ ₹30 નો વધારાનો ચાર્જ ગ્રાહકોએ સીધો ચૂકવવાનો નથી. સરકારી નોટિફિકેશન અનુસાર આ રકમ જ્વેલર્સે પોતે હોલમાર્કિંગ સેન્ટરને ચૂકવવાની રહેશે.

ભલે નોટિફિકેશનમાં સીધી વસૂલાત પર મનાઈ હોય, પરંતુ જ્વેલર્સ પાસે આ ₹30 નો ખર્ચ ગ્રાહકો પાસેથી કાઢવાનો છુપો રસ્તો છે—તેઓ આ વધારો દાગીનાના 'મેકિંગ ચાર્જ' કે ઓવરઓલ પ્રાઇસિંગમાં ચૂપચાપ ઉમેરી શકે છે.

નવા નિયમ મુજબ હોલમાર્કિંગ સેન્ટર્સે સોનાના પ્રતિ આર્ટિકલ ₹7.50 (ઓછામાં ઓછા ₹20 પ્રતિ કન્સાઇનમેન્ટ) અને ચાંદી પર પ્રતિ આર્ટિકલ ₹3.50 BIS ને જમા કરાવવા પડશે, જેના પર ટેક્સ અલગથી વસૂલાશે.

જ્વેલર્સ માટે એકમાત્ર રાહતના સમાચાર એ છે કે કન્સાઇનમેન્ટની ન્યૂનતમ ફી ₹200 ની મર્યાદા પર જ જાળવી રાખવામાં આવી છે.

સોનામાં મોટો ધડાકો કરાયો છે પરંતુ ચાંદીના પ્રેમીઓ માટે જૂના દરો જ રહેશે. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી ₹35 પ્રતિ આર્ટિકલ અને કન્સાઇનમેન્ટ ચાર્જ ₹150 પર સ્થિર છે.

ભલે બિલ પર આ ₹30 સીધા લખેલા ન દેખાય, પરંતુ જ્વેલર્સ દ્વારા મેકિંગ ચાર્જ બેકડોરથી વધારી દેવાતાં આ તહેવારોમાં સોનાની ખરીદી તમારા બજેટને ચોક્કસપણે અસર કરી શકે છે.