
વૈશ્વિક બજારમાં સોનાના ભાવને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો અંદાજ સામે આવ્યો છે. જર્મનીની વિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ બેંક Deutsche Bank એ સંકેત આપ્યો છે કે આગામી 5 વર્ષમાં સોનું અત્યારના સ્તરથી 80 ટકા જેટલું મોંઘું થઈ શકે છે. જો આ અનુમાન સાચું ઠરશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું 8000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. હાલમાં સોનાના ભાવ 4500 ડોલરની આસપાસ છે.

કેમ વધશે સોનાની કિંમત?: Deutsche Bank ના અહેવાલ મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો હવે અમેરિકી ડોલર પરનો ભરોસો ઘટાડી રહી છે. સેન્ટ્રલ બેંકોના રિઝર્વમાં સોનાનો હિસ્સો હાલમાં 30 ટકા છે, જે વધીને 40 ટકા સુધી પહોંચી શકે છે. આ 'ડી-ડોલરાઇઝેશન' ની પ્રક્રિયા સોનાના ભાવમાં આગ લગાડવાનું કામ કરશે.

દુનિયાભરમાં સોનું ખરીદવાની હોડ: 2008 ની આર્થિક મંદી બાદ સેન્ટ્રલ બેંકોએ 225 મિલિયન ઔંસથી વધુ સોનું ખરીદ્યું છે. પહેલા માત્ર ચીન, રશિયા અને ભારત જ સોનાના મોટા ખરીદદાર હતા, પરંતુ હવે સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને ઇજિપ્ત જેવા દેશો પણ પોતાનું વિદેશી મુદ્રા ભંડાર સોનામાં બદલી રહ્યા છે. ભૌગોલિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે સોનું સૌથી સુરક્ષિત રોકાણ સાબિત થઈ રહ્યું છે.

તત્કાલીન પડકારો અને તેજીના સંકેત: જોકે, ટૂંકા ગાળામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને મજબૂત ડોલરને કારણે સોનાના ભાવ પર થોડું દબાણ જોવા મળ્યું છે. તેમ છતાં, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સર્વે મુજબ, સેન્ટ્રલ બેંકો આર્થિક અનિશ્ચિતતા સામે રક્ષણ મેળવવા માટે સોનું ખરીદવાનું ચાલુ રાખશે.

નિષ્ણાતોના મતે, આ કોઈ સત્તાવાર ટાર્ગેટ નથી પરંતુ બજારની સ્થિતિને જોતા એક સંભવિત ચિત્ર છે. જો વૈશ્વિક તણાવ વધશે તો સોનું ખરેખર નવા રેકોર્ડ સ્તર પર જોવા મળી શકે છે.