
આજે 9 એપ્રિલના રોજ ઝવેરી બજારમાં મોટી હલચલ જોવા મળી છે. લગ્નસરાની સીઝન શરૂ થાય તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે. ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સંકટના વાદળો છવાતા શેરબજારથી લઈને સર્રાફા બજાર સુધી તેની સીધી અસર જોવા મળી રહી છે.

એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો કેમ?: આજે ગુરુવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 8566 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેના કારણે હવે ચાંદીનો ભાવ 2,35,475 રૂપિયા પર આવી ગયો છે. બીજી તરફ, સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ 1585 રૂપિયાનો ઘટાડો થયો છે.

24 કેરેટ સોનાનો ભાવ હવે ઘટીને 1,49,536 રૂપિયા પર પહોંચ્યો છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના ખરીદનારાઓ માટે પણ રાહતના સમાચાર છે કારણ કે તેના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

શું સોનું હજુ પણ સસ્તું થશે?: બજારના નિષ્ણાતોના મતે, ભૌગોલિક તણાવ (Geo-political tension) ને કારણે કિંમતોમાં વધ-ઘટ ચાલુ રહેશે. જો યુદ્ધવિરામની સ્થિતિ સ્પષ્ટ થાય છે, તો સોનું 1.58 લાખથી 1.60 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી 2.55 લાખના સ્તરને સ્પર્શી શકે તેવી શક્યતા છે. અત્યારે બજારમાં જે ઘટાડો દેખાઈ રહ્યો છે તે રોકાણકારો અને ખરીદદારો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.

ચાંદી વેચવાની પ્રક્રિયા થઈ સરળ: દેશમાં પહેલીવાર ચાંદી વેચવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 'સિલ્વર બાયબેક સર્વિસ' શરૂ કરવામાં આવી છે. MMTC-PAMP દ્વારા શરૂ કરાયેલી આ સેવામાં ગ્રાહકો તેમના જૂના દાગીના, સિક્કા કે બાર સીધા જ માર્કેટ રેટ મુજબ વેચી શકશે. હાલમાં આ સુવિધા અમદાવાદ સહિત દેશના સાત મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવી છે.