
નાણા મંત્રાલયે (Ministry of Finance) 4 નવેમ્બરે દિલ્હીમાં ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગને લઈને એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં RBI (Reserve Bank of India), DGFT (Directorate General of Foreign Trade), SEZ (Special Economic Zone) અને અનેક બેંકોના અધિકારીઓ હાજરી આપશે.

મળતી માહિતી મુજબ, નાણા મંત્રાલયે 4 નવેમ્બરના રોજ દિલ્હીમાં સોના-ચાંદીના ભાવને નિયંત્રિત કરવા અને GIFT સિટીમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) પર ટ્રેડ વોલ્યુમ વધારવા અંગેની ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ જોતાં લાગી રહ્યું છે કે, કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક બુલિયન ટ્રેડિંગ હબ બનાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં Ministry of Commerce, RBI, DGFT, SEZ અને જાહેર તેમજ ખાનગી બેંકોના વરિષ્ઠ પ્રતિનિધિઓ (Senior Representative) હાજરી આપશે. સરકારનો ઉદ્દેશ્ય ભારતને આંતરરાષ્ટ્રીય સોના અને ચાંદીના વેપાર માટેનું કેન્દ્ર બનાવવાનો તેમજ IIBX ને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્લેટફોર્મ (Competitive Platform) તરીકે સ્થાપિત કરવાનો છે.

નાણા મંત્રાલય (Ministry of Finance) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં IIBX પર બેંકની ભાગીદારી વધારવા અને ટ્રેડિંગ સિસ્ટમને વધુ સરળ બનાવવા પર વિચાર કરવામાં આવશે. સોના અને ચાંદીના ભાવમાં વધઘટને નિયંત્રિત કરવા માટેની વ્યૂહરચનાની પણ ચર્ચા કરવામાં આવશે.

GIFT સિટી સ્થિત IIBX ની સ્થાપના ભારતને 'આંતરરાષ્ટ્રીય બુલિયન બજાર' પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ટ્રેડ વોલ્યુમ અપેક્ષા મુજબ વધ્યું નથી. આથી સરકાર ઇચ્છે છે કે, સ્થાનિક બેંકો, વિદેશી રોકાણકારો અને એક્સચેન્જથી જોડાયેલા લોકો સક્રિય ભૂમિકા ભજવે.

આ બેઠકનું પરિણામ દેશના બુલિયન બજારના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા સોનાના ખરીદદારોમાંનું એક દેશ છે.
Published On - 6:50 pm, Mon, 27 October 25