
ગોલ્ડ માર્કેટમાં અત્યારે એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, શું સેન્ટ્રલ બેંક હવે સોનું વેચવાનું શરૂ કરી દેશે? સોશિયલ મીડિયાથી લઈને મોટા ફંડ હાઉસ પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. UBSનો નવો ગ્લોબલ રિપોર્ટ જણાવે છે કે, માર્ચમાં સોનાના ભાવમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોની ચિંતા વધી છે. એવામાં રિપોર્ટ કહે છે કે, ગભરાવાની જરૂર નથી. સેન્ટ્રલ બેંક અત્યારે સોનું વેચવાના મૂડમાં નથી, માત્ર ખરીદીની ગતિ થોડી ધીમી પડી શકે છે.

ગ્લોબલ બ્રોકરેજ UBSના તાજા રિપોર્ટમાં સેન્ટ્રલ બેંકની ગોલ્ડ સ્ટ્રેટેજી અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, તાજેતરના સમયમાં રોકાણકારોમાં એવો ડર વધ્યો છે કે, સેન્ટ્રલ બેંક સોનું (માર્ચમાં કિંમતોમાં અંદાજે 16% ઘટાડો થયા બાદ) વેચી શકે છે. UBSનું સ્પષ્ટ માનવું છે કે, આ ડરને ઘણો વધારીને જોવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ જણાવે છે કે, જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો ખેંચાય, મોંઘવારી ઊંચી રહે, ગ્રોથ ધીમો પડે અને કરન્સી નબળી થાય, તો કેટલીક સેન્ટ્રલ બેંક તેમના ગોલ્ડ રિઝર્વનો નાનો હિસ્સો વેચી શકે છે પરંતુ આ કોઈ મોટા ટ્રેન્ડનો સંકેત નહીં હોય. ટૂંકમાં મોટાપાયે સોનું વેચવાની શક્યતા અત્યારે ઘણી ઓછી છે. UBSનો અંદાજ છે કે, સેન્ટ્રલ બેંકની સોનાની ખરીદીમાં થોડી સુસ્તી આવી શકે છે. વર્ષ 2025 માં જ્યાં અંદાજે 860 ટન સોનું ખરીદાયું હતું, ત્યાં આ વર્ષે આ આંકડો ઘટીને 800-850 ટનની આસપાસ રહી શકે છે. સરળ રીતે કહીએ તો, ખરીદી ચાલુ રહેશે બસ તેની ઝડપ થોડી ઓછી હશે.

રિપોર્ટમાં તુર્કીનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જ્યાં તાજેતરમાં સેન્ટ્રલ બેંકે અંદાજે 50 ટન સોનું વેચ્યું હતું. એવામાં UBSએ સ્પષ્ટ કર્યું છે કે, આ ડેટાને સીધો મોટા ટ્રેન્ડ તરીકે જોવો જોઈએ નહીં. આ બધા વચ્ચે તુર્કીનો કિસ્સો થોડો અલગ છે, કારણ કે ત્યાંની સેન્ટ્રલ બેંક સોનાનો ઉપયોગ પોલિસી ટૂલ તરીકે પણ કરે છે. સાથે જ, રિપોર્ટેડ ડેટામાં સ્થાનિક કોમર્શિયલ બેંકોની પોઝિશન પણ જોડાયેલ હોય છે, જેના કારણે ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી.

UBS એ એવું પણ જણાવ્યું કે, આવનારા સમયમાં જ્યારે વધુ વિગતવાર ડેટા સામે આવશે, ત્યારે તુર્કી અને બીજા દેશોની સ્થિતિ વધુ સારી રીતે સમજાશે. સવાલ એ પણ ઊઠે છે કે, સેન્ટ્રલ બેંક આખરે ગોલ્ડ વિશે શું વિચારે છે? આ માટે રિપોર્ટમાં વર્લ્ડ બેંકના વર્ષ 2025 ના સર્વે રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ વખત ગોલ્ડ પર અલગ સેક્શન ઉમેરવામાં આવ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, સેન્ટ્રલ બેંક માટે ગોલ્ડનું મહત્વ સતત વધી રહ્યું છે.

કિંમતોની વાત કરીએ તો, UBS હજુ પણ ગોલ્ડને લઈને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ, આગામી થોડા અઠવાડિયામાં ગોલ્ડમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, કારણ કે માર્કેટ સતત જિઓ-પોલિટિકલ ખબર મુજબ એડજસ્ટ થઈ રહ્યું છે. જો કે, લાંબાગાળે સોનાની માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે.

UBS નું માનવું છે કે, ઘટાડો આવવા પર રોકાણકારોને ગોલ્ડમાં ખરીદીની તક મળી શકે છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે સોનાનો સરેરાશ ભાવ અંદાજે 5,000 ડોલર પ્રતિ ઔંસ રહી શકે છે, જ્યારે વર્ષના અંત સુધીમાં તે 5,600 ડોલર સુધી પહોંચી શકે છે.