
સૉવરેન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ SGB 2020-21 Series-VII ના રોકાણકારોને સમય પહેલાં પૈસા ઉપાડવાની એટલે કે પ્રી-મેચ્યોર રિડેમ્પશનની તક આપી છે. આ સુવિધા 20 એપ્રિલ 2026 થી શરૂ થઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો? જણાવી દઈએ કે, જ્યારે આ ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020 માં બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે તેની કિંમત પ્રતિ ગ્રામ આશરે 5,000 રૂપિયાની આસપાસ હતી. હવે તેની રિડેમ્પશન કિંમત પ્રતિ યુનિટ 15,254 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં, જે લોકોએ તે સમયે રોકાણ કર્યું હતું, તેમને હવે ત્રણ ગણો ફાયદો મળી રહ્યો છે.

કિંમત કેવી રીતે નક્કી થઈ? રિડેમ્પશનની કિંમત સોનાના બજાર ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ માટે 15, 16 અને 17 એપ્રિલ 2026 ના સોનાના બંધ ભાવની સરેરાશ (એવરેજ) લેવામાં આવી હતી. આ જ આધારે કિંમત નક્કી કરવામાં આવી છે.

જો તમે શોર્ટ ટર્મ અથવા ટ્રેડિંગના દૃષ્ટિકોણથી ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છો, તો ગોલ્ડ ETF વધુ અનુકૂળ છે. બીજી તરફ, જો તમે લોન્ગ ટર્મ અને ટેક્સ ફ્રી રિટર્ન ઈચ્છો છો, તો SGB શ્રેષ્ઠ છે. CA રુચિકા ભગતના જણાવ્યા અનુસાર, "તમારું સોનું માત્ર ચમકવું જ જોઈએ એવું નથી, તેણે ટેક્સ પણ બચાવવો જોઈએ."

200% થી વધુ રિટર્ન કેવી રીતે મળ્યું? વર્ષ 2020 માં જ્યારે આ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે તેની કિંમત પ્રતિ યુનિટ 5,051 રૂપિયા હતી પરંતુ હવે તેની કિંમત 15,254 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોને 202% થી વધુનો નફો મળી રહ્યો છે.

SGB શું છે? સૉવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી યોજના છે, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી બહાર પાડે છે. આમાં તમે સોનું ખરીદવાને બદલે બોન્ડમાં રોકાણ કરો છો. આનો ફાયદો એ છે કે, તમને સોનાની કિંમત વધવાનો લાભ તો મળે જ છે અને સાથે સાથે વધારાનું વ્યાજ પણ મળે છે.

ટેક્સ સંબંધિત મહત્વની બાબતો: જો તમે પૂરા 8 વર્ષ સુધી રોકાણ જાળવી રાખો છો, તો મેચ્યોરિટી પર મળતા નફા પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગતો નથી. બીજીબાજુ જો તમે વચ્ચેથી પૈસા ઉપાડો છો, તો તેના પર ટેક્સ લાગી શકે છે. આ ઉપરાંત, દર વર્ષે મળતું 2.5% વ્યાજ તમારી આવકમાં ઉમેરાય છે અને તેના પર ટેક્સ ચૂકવવો પડે છે.

રોકાણકારો માટે આનો અર્થ શું છે? આ સમાચાર તે લોકો માટે રાહત અને ખુશી બંને લઈને આવ્યા છે કે, જેમણે વર્ષ 2020 માં SGB માં રોકાણ કર્યું હતું. તેમને હવે સારો નફો મેળવવાની તક મળી રહી છે. જો કે, પૈસા ઉપાડતા પહેલા ટેક્સ અને ભવિષ્યની કિંમતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. એકંદરે, SGB લાંબાગાળા માટે એક મજબૂત અને સુરક્ષિત રોકાણ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે, જેમાં સોનાનો ફાયદો તેમજ વધારાનું વ્યાજ બંને મળે છે.
Published On - 4:32 pm, Mon, 20 April 26