
સોનાના ભાવને લઈને બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. તાજેતરના મહિનાઓમાં રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા બાદ હવે સોનાના ભાવમાં સંભવિત ઘટાડાની ચર્ચાઓ તેજ થઈ છે. નિષ્ણાતોનો અંદાજ છે કે, આગામી મહિનાઓમાં ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 70,000 થી 80,000 રૂપિયા સુધી જઈ શકે છે.

તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી છે. બજારના નિષ્ણાતો માને છે કે, આ તેજી પાછળ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને અલગ અલગ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) ની સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી આક્રમક ખરીદી મુખ્ય કારણો રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં વૈશ્વિક સોનાની ખરીદીનો લગભગ અડધો હિસ્સો પોતાના નામે કર્યો છે.

નિષ્ણાતોના મતે, બદલાતા જીઓ-પોલિટિકલ સમીકરણો હવે સોનાના બજારની દિશા નક્કી કરી શકે છે. અમેરિકા અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવને કારણે રશિયાએ તેના વિદેશી વ્યાપારમાં ડોલરનો ઉપયોગ મર્યાદિત કર્યો અને સોનાના ભંડારમાં ઝડપથી વધારો કર્યો હતો. તાજેતરના સંકેતો દર્શાવે છે કે, રશિયા તેની વ્યૂહરચના બદલી શકે છે અને આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડમાં ડોલરનો હિસ્સો ફરી વધારી શકે છે. જો આવું થાય, તો તે સોનાના બજાર માટે નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે.

નિષ્ણાતોનું અનુમાન છે કે, જો ડોલર તરફ ઝુકાવ વધશે તો રશિયા તેના સોનાના ભંડારનો એક ભાગ બજારમાં વેચવા કાઢી શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે સોનાના પુરવઠામાં અચાનક વધારો થશે અને કિંમતો પર દબાણ આવી શકે છે. મોટાપાયે વેચવાલીની સ્થિતિમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સોનાના ભાવમાં સંભવિત ઘટાડાનું બીજું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી અનિશ્ચિતતા છે. બજારના જાણકારો કહે છે કે, જો આ સંઘર્ષ સમજૂતી કે વ્યાપારી સહમતી દ્વારા સમાપ્ત થાય, તો વૈશ્વિક બજારમાં સ્થિરતા પાછી આવી શકે છે. આ દરમિયાન, ચીન, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા પ્રમુખ ખરીદદાર દેશો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ભારે ખરીદી બાદ હવે માંગમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા છે. જો આ દેશો તરફથી સોનાની ખરીદી ઘટશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો પર વધારાનું દબાણ સર્જાઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય એજન્સી Bloomberg એ અંદાજ વ્યક્ત કર્યો છે કે, ભારતમાં સોનાના ભાવ આવનારા સમયમાં 10 ગ્રામ દીઠ 70,000 થી 80,000 રૂપિયા ના સ્તર સુધી આવી શકે છે. વિશ્લેષકો માને છે કે, આ ઘટાડો અચાનક નહીં થાય પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓમાં ક્રમિક ફેરફારોની સાથે તબક્કાવાર જોવા મળી શકે છે.

તેમનું માનવું છે કે, વર્ષ 2027 ના અંત સુધીમાં જો બજારમાં સ્થિરતા આવશે, તો કિંમતો અંદાજે 80,000 રૂપિયાની આસપાસ સ્થિર થઈ શકે છે. નિષ્ણાતો એ પણ સાવધ કરે છે કે, સોનું વૈશ્વિક કટોકટી પ્રત્યે અત્યંત સંવેદનશીલ ધાતુ છે. આથી છૂટક રોકાણકારો અને સામાન્ય ખરીદદારોએ બજારની દિશા સમજીને જ રોકાણ કે ખરીદીનો નિર્ણય લેવો જોઈએ, જેથી ઊંચા ભાવે ખરીદી કરીને નુકસાન ઉઠાવવું ન પડે.

હાલમાં વૈશ્વિક રોકાણકારોની નજર રશિયા, અમેરિકા અને બ્રિક્સ દેશોની નીતિઓ પર ટકેલી છે. જો ડોલર મજબૂત થાય અને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ આવે, તો સોનાના ભાવમાં ઘટાડો શક્ય છે. બીજી તરફ, જો વૈશ્વિક તણાવ વધશે, તો સોનું ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે ચમકી શકે છે.
Published On - 9:24 pm, Mon, 23 February 26