
ગોલ્ડ માર્કેટ સાથે જોડાયેલા આ વર્ષના સૌથી મોટા સમાચાર ચીનથી આવી રહ્યા છે. 'ચીન' વિશ્વના સૌથી મોટા ગોલ્ડ કન્ઝ્યુમર અને ઈમ્પોર્ટર (આયાતકાર) પૈકીનું એક છે. એવામાં ચીને એક એવો નિર્ણય લીધો છે કે, જે આખા ગોલ્ડ માર્કેટની ચાલ બદલી શકે છે. આ મામલો જૂની સિસ્ટમ સાથે જોડાયેલો છે, જ્યાં દર વખતે સોનાની આયાત કે નિકાસ કરવા માટે કંપનીઓએ નવો પરમિટ લેવો પડતો હતો. દરેક શિપમેન્ટ અને દરેક ડીલ માટે અલગ લાઈસન્સ, આ પ્રક્રિયા લાંબી પણ હતી અને ખર્ચાળ પણ હતી. જો કે, નવા નિર્ણય બાદ હવે બધું બદલાઈ જશે.

ચીનની સેન્ટ્રલ બેંક અને કસ્ટમ ઓથોરિટીએ મળીને નવો નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે, જેને 'નોન-વન-બેચ-વન-લાઈસન્સ' (Non-one-batch-one-license) નામ આપવામાં આવ્યું છે. હવે એક જ પરમિટ મળશે, જે પૂરા 9 મહિના સુધી માન્ય રહેશે. આ એક જ પરમિટ દ્વારા મંજૂર કરાયેલા જથ્થાની મર્યાદામાં જેટલી વાર ઈચ્છો, તેટલી વાર સોનાની આયાત કે નિકાસ કરી શકાશે.

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એ કંપનીઓને થશે, જે વારંવાર ગોલ્ડ ટ્રેડિંગ કરે છે. મોટા જ્વેલર્સ, ઇન્ટરનેશનલ ડીલર્સ અને ટ્રેડિંગ કંપનીઓ હવે ઝડપથી કારોબાર કરી શકશે. સરળ શબ્દોમાં સમજીએ તો, ઓછી કાગળની કામગીરી, ઓછો વિલંબ અને ઓછો ખર્ચ એટલે કે વધુ નફો થશે.

વાત એમ છે કે, જ્યારે દુનિયાનો સૌથી મોટો ગોલ્ડ પ્લેયર નિયમો બદલે છે, ત્યારે તેની અસર માત્ર એક દેશ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ નિર્ણયથી સોનાનો પુરવઠો (સપ્લાય) ઝડપી બની શકે છે, ટ્રેડિંગ વોલ્યુમ વધી શકે છે અને કિંમતોમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. લંડનથી લઈને દુબઈ અને મુંબઈ સુધીનું દરેક માર્કેટ આ નિર્ણય પર નજર રાખશે.

આ નવી સિસ્ટમ ચીનના 15 કસ્ટમ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. હાલમાં આ શરૂઆત મર્યાદિત ક્ષેત્રમાં છે પરંતુ જો તે સફળ રહેશે, તો તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. નિષ્ણાતો માને છે કે, આ તો માત્ર એક શરૂઆત છે. 'ચીન' ધીમે-ધીમે પોતાના ગોલ્ડ માર્કેટને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જો આવું થશે તો આગામી સમયમાં ગોલ્ડ ટ્રેડનું કેન્દ્ર વધુ પ્રમાણમાં 'ચીન' તરફ શિફ્ટ થઈ શકે છે.

ટૂંકમાં, ચીને સોનાની આયાત-નિકાસના નિયમોમાં મોટી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે, જે 1 જૂનથી લાગુ થશે. નવા નિયમો હેઠળ ગોલ્ડ ટ્રેડર્સને હવે વારંવાર પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. એક જ લાઈસન્સ દ્વારા અનેક વખત કસ્ટમ ડિક્લેરેશન કરી શકાશે. આ પગલાથી ગોલ્ડ ટ્રેડ સરળ બનશે અને સપ્લાય ચેઈન ઝડપી બનવાની આશા છે. આની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના ગોલ્ડ માર્કેટ પર જોવા મળી શકે છે.