
વિશ્લેષકો કહે છે કે, આગામી સપ્તાહે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે. આનું ખાસ કારણ એ છે કે, રોકાણકારો હવે ઘણી મુખ્ય સેન્ટ્રલ બેંક બેઠકો અને ગ્લોબલ ટ્રેડ પર નજર રાખી રહ્યા છે.

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર મહિનામાં સોનાના વાયદા (Gold Futures) ના ભાવ સપ્તાહ દરમિયાન ₹3557 અથવા 2.8% ઘટ્યા હતા. એન્જલ વન ખાતે નોન-એગ્રી કોમોડિટીઝ અને કરન્સી રિસર્ચના DVP પ્રથમેશ માલ્યાના જણાવ્યા અનુસાર, સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે આ ઘટાડો થયો હતો.

વધુમાં, યુએસ-ચીન વેપાર સંબંધમાં સુધારો થવાના સંકેતો અને ભારત-યુએસ વેપાર વાટાઘાટોમાં સકારાત્મક પરિણામની અપેક્ષાઓએ જોખમ લેવાની પ્રવૃત્તિમાં વધારો કર્યો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો.

આંતરરાષ્ટ્રીય સ્તરે, કોમેક્સ પર સોનાના ભાવ સપ્તાહ દરમિયાન 75.5 USD અથવા 1.8% ઘટ્યા. સપ્તાહની શરૂઆતમાં સોનું $4398 પ્રતિ ઔંસના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યું હતું પરંતુ મંગળવારે તે 6.11% અથવા $266.4 ઘટ્યું, જે એક દાયકામાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો હતો.

તાજેતરની રેકોર્ડ તેજી પછી ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. MCX પર ડિસેમ્બર મહિનામાં ચાંદીના વાયદામાં ₹9134 અથવા 5.83 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે 3.02 ટકા ઘટ્યો હતો. 17 ઓક્ટોબરે પ્રતિ ઔંસ USD 53.76 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી 21 ઓક્ટોબરે તે ભાવ 8 ટકાથી વધુ ઘટીને USD 47.12 પ્રતિ ઔંસ થયો હતો, જે વર્ષ 2021 પછીનો સૌથી મોટો ઘટાડો છે.