
'રશિયા' વિશ્વના એવા દેશોમાંથી એક છે કે, જેની પાસે સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ (સોનાનો ભંડાર) છે. એવામાં રશિયાએ તાજેતરમાં જે કર્યું છે, તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. રશિયાએ વર્ષ 2026ના પ્રથમ 6 માસિક ગાળામાં લગભગ 44 ટન સોનું વેચી દીધું છે. એવા સમયે 'સોનું' વેચ્યું જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર બનેલા છે. જો કે, રશિયાનું આ પગલું ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. રોકાણકારો અને બજાર નિષ્ણાતોની નજર હવે એ વાત પર છે કે, આખરે રશિયાએ પોતાના ગોલ્ડ રિઝર્વમાં કાપ શા માટે મૂક્યો અને તેની આગળ શું અસર પડી શકે છે?

સેન્ટ્રલ બેંકના તાજેતરના અહેવાલ મુજબ જૂલાઈની શરૂઆત સુધી તેની પાસે 73.4 મિલિયન ટ્રોય ઓન્સ એટલે કે લગભગ 2,282 મેટ્રિક ટન 'સોનું' બચ્યું છે. વર્ષની શરૂઆતની સરખામણીએ આ લગભગ 1.4 મિલિયન ટ્રોય ઓન્સ એટલે કે આશરે 43.5 ટન ઓછું છે. વર્તમાન ભાવ મુજબ રશિયા પાસે રહેલા ગોલ્ડ રિઝર્વની કુલ કિંમત લગભગ 299 અબજ ડૉલર આંકવામાં આવી છે.

સામાન્ય રીતે કોઈ દેશનો ગોલ્ડ રિઝર્વ તેની આર્થિક મજબૂતી અને વિદેશી મુદ્રા ભંડારનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. મુશ્કેલ સમયમાં આ જ રિઝર્વ દેશની નાણાકીય સ્થિરતા જાળવી રાખવામાં મદદ કરે છે. એવામાં રશિયા દ્વારા પોતાના ભંડારમાંથી 'સોનું' વેચવું એ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે.

જો કે, રશિયા સામે એક મોટો પડકાર પશ્ચિમી દેશો અથવા વેસ્ટર્ન સેન્ક્શન્સ (પશ્ચિમી પ્રતિબંધો) છે. યુક્રેન યુદ્ધ પછી અમેરિકા અને યુરોપીય દેશોએ રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ જ પ્રતિબંધોના કારણે રશિયાની સેન્ટ્રલ બેંક આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી 'સોનું' વેચી શકતી નથી. ટૂંકમાં, તેના માટે વિદેશી ખરીદદારો સુધી પહોંચ હવે પહેલા જેવી રહી નથી.

આમ છતાં સ્થાનિક સ્તરે અથવા અન્ય વૈકલ્પિક માધ્યમોથી રિઝર્વમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ બેંકે એ સ્પષ્ટ કર્યું નથી કે, આ 'સોનું' કયા ખરીદદારોને વેચવામાં આવ્યું છે. રશિયાના આ પગલાની અસર હાલ વૈશ્વિક સોનાના ભાવો પર જોવા મળશે નહીં. તેનું કારણ એ છે કે, સોનાના ભાવ આ સમયે અન્ય ઘણા પરિબળોથી પણ પ્રભાવિત થઈ રહ્યા છે. આમાં પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, સેન્ટ્રલ બેંકોની ખરીદી, મોંઘવારીની ચિંતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયો પર ટકેલી છે.

આવનારા સમયમાં રોકાણકારોની નજર રશિયાની ગોલ્ડ પોલિસી, વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની ખરીદી અને આંતરરાષ્ટ્રીય જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ પર રહેશે. આ જ પરિબળો નક્કી કરશે કે, સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચશે કે પછી તેમાં કઈક નરમ વલણ જોવા મળશે.
Published On - 3:16 pm, Tue, 21 July 26