
સમગ્ર દેશમાં ધનતેરસની ધૂમ મચેલી છે. મુંબઈથી લઈને દિલ્હી અને દિલ્હીથી લઈને અમદાવાદ સુધી લોકો ખરીદીમાં વ્યસ્ત છે. બજાર ભીડથી ખચોખચ ભરેલા છે. ધનતેરસના પ્રસંગે લોકો સોનું ખરીદવું શુભ માને છે. સોનાના ભાવ તેના વર્ષ 2026ના ઉચ્ચતમ સ્તરથી ઘણા નીચે આવી ગયા છે. આ કારણે સૌની નજર સોનાની ખરીદી પર ટકેલી છે. કિંમતોમાં આવેલા આ ઘટાડાથી સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈથી નીચે આવી ગયા છે. સરવાળે સવાલ એ ઊભો થાય છે કે, શું આ એવા રોકાણકારો માટે યોગ્ય તક હોઈ શકે છે, જેઓ પોતાના પોર્ટફોલિયોમાં સોનાને ઉમેરવા માંગે છે?

જો કે, હાલ સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે. એક તરફ ઊંચા વ્યાજ દર અને મજબૂત અમેરિકી ડોલર કિંમતો પર દબાણ બનાવી રહ્યા છે, તો બીજી તરફ સેન્ટ્રલ બેંકોની ખરીદી અને રોકાણની માંગથી સોનાને લાંબાગાળા માટે સપોર્ટ મળી રહ્યો છે. કિંમતોમાં થયેલા સુધારાથી તહેવારોની સીઝન પહેલા ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) ને આશા છે કે; આ તહેવારોની સીઝનમાં આભૂષણોના વેચાણનું પ્રમાણ (વોલ્યુમ) સ્થિર રહેશે, જ્યારે વેચાણનું મૂલ્ય 20-30% સુધી વધી શકે છે.

એક રિપોર્ટમાં એક્સિસ ડાયરેક્ટે જણાવ્યું છે કે, સ્થાનિક બજારમાં સોનાના ભાવ તેના વર્ષ 2026ના લગભગ ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામના હાઈ લેવલથી 22% કરતા વધુ નીચે આવી ગયા છે. કાચા તેલની ઊંચી કિંમતો, ફુગાવાની ચિંતાઓ, US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધુ વધારાની અપેક્ષાઓ અને ડોલરની મજબૂતીને કારણે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સામાન્ય રીતે, વ્યાજ દર વધવાથી સોના પર દબાણ આવે છે, કારણ કે વ્યાજ આપતા રોકાણના વિકલ્પોની સરખામણીમાં, રિટર્ન (વ્યાજ) ન આપનારી સંપત્તિ (જેમ કે સોનું) ઓછી આકર્ષક બની જાય છે.

એક્સિસ ડાયરેક્ટમાં કમોડિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ દેવેયા ગગલાનીનું માનવું છે કે, ભવિષ્યમાં સોના પર દબાણ જળવાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો $3,700 અને $3,600ના સપોર્ટ લેવલ સુધી આવી શકે છે. એક્સિસ ડાયરેક્ટે (Axis Direct) સોનાને લઈને લાંબાગાળાનું સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ મુજબ, આગામી ધનતેરસ સુધી સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ₹1.65 લાખથી ₹1.71 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આ આધારે આશરે 20-25% સુધીના રિટર્નની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો પોતાના ફોરેક્સ રિઝર્વ (વિદેશી મુદ્રા ભંડાર) માં વિવિધતા લાવવા માટે સોનાની ખરીદી કરી રહી છે. Axis Direct મુજબ, તાજેતરના વર્ષોમાં સેન્ટ્રલ બેંકોની વાર્ષિક સોનાની ખરીદી લગભગ 1,000 ટન રહી છે. સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ છતાં ગોલ્ડ ETFમાં રોકાણની માંગ લાંબાગાળે કિંમતોને ટેકો આપી શકે છે.

Axis Direct અનુસાર, સપ્ટેમ્બર 2026 સુધી ગ્લોબલ ગોલ્ડ ETFમાં આશરે 39 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. જો અમેરિકામાં ફુગાવાનું દબાણ ઘટે છે અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડા તરફ આગળ વધે છે, તો સોનાની માંગને સમર્થન મળી શકે છે.