
ભારતમાં 'સોનું' માત્ર ઘરેણાં કે રોકાણ પૂરતું સીમિત નથી પરંતુ તેને સમૃદ્ધિ, પરંપરા અને બચતનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો કે, વર્ષ 2026 માં સોનાની આ ચમક ઝાંખી પડતી દેખાઈ રહી છે.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, આસમાને પહોંચેલી કિંમતો અને ઘરગથ્થુ બજેટ પર વધતા દબાણને કારણે દેશમાં સોનાની માંગ 6 વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના તાજેતરના અહેવાલ મુજબ, કોરોના રોગચાળા પછી આ પહેલી વાર બન્યું છે, જ્યારે જ્વેલરી શોરૂમ્સમાંથી રોનક આટલી ઝડપથી ગાયબ થઈ ગઈ છે.

તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશભરમાં સોનાની માંગમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. આ આંકડો ઘટીને 162.5 મેટ્રિક ટન પર આવી ગયો છે. લગ્નગાળા માટે ખરીદાતા દાગીનામાં જ્યાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે, ત્યાં સુરક્ષિત રોકાણ તરીકે ખરીદાતા સોનાની માંગમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત જકાત) વધાર્યા બાદ આયાત ઘટી છે, જેણે બજારની અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં સોનાની કુલ માંગનો 50 ટકાથી વધુ હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. જો કે, આ વર્ષે ચોમાસામાં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. પાકના નુકસાન અને ખેતીમાંથી ઘટતી આવકે ખેડૂતોના ખિસ્સા પર ઊંડી અસર પાડી છે.

નોંધનીય છે કે, ઓક્ટોબરમાં દશેરા પછી હવે નવેમ્બરની શરૂઆતમાં ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ભારતમાં આ પ્રસંગોએ 'સોનું' ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે પછી લગ્નની સિઝન પણ શરૂ થશે.

WGC ના ઇન્ડિયન ઓપરેશન્સ હેડ સચિન જૈને રોઇટર્સને જણાવ્યું હતું કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં ખરીદીમાં સુધારો જોવા મળી શકે છે. હાલની રેકોર્ડ કિંમતો અને ગ્રામીણ અર્થતંત્ર પરનું દબાણ એ સંકેત આપી રહ્યા છે કે, આ વખતે સુધારો કદાચ જૂની સ્પીડ પકડી શકશે નહીં.