
જો તમે પણ તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા અંગે વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા કામની હોઈ શકે છે. તમારી પાસે ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર (Gold Hallmarking Center) ખોલવાની તક છે. વાસ્તવમાં, ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા નવા ગોલ્ડ અસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર (AHC) ખોલવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આના માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) જારી કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર, સાર્વજનિક ઉપક્રમો (PSU), પ્રતિષ્ઠિત પ્રયોગશાળાઓ, ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને ઇચ્છુક સાહસિકો અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર ખોલીને વેપાર શરૂ કરવા માંગે છે, તો તે પણ નિર્ધારિત પાત્રતા શરતો પૂરી કરીને અરજી કરી શકે છે.

સારી વાત એ છે કે, આ વ્યવસાય માટે તમને સરકાર તરફથી નાણાકીય સહાય પણ મળશે. સામાન્ય ક્ષેત્રોમાં ખાનગી અરજદારોને મશીનરી અને સાધનોની કુલ કિંતના 30 ટકા અને સાર્વજનિક ઉપક્રમોને 50 ટકા સહાય મળશે. ઉત્તર પૂર્વના રાજ્યો, વિશેષ શ્રેણી વાળા રાજ્યો અને ગ્રામીણ ક્ષેત્રોમાં ખાનગી અરજદારોને 50 ટકા તેમજ PSU ને 75 ટકા સુધીની સહાય આપવામાં આવશે.

BIS મુજબ, આ યોજના હેઠળ માત્ર એ જ જિલ્લાઓમાં નાણાકીય સહાય માટે અરજી કરી શકાય છે, જ્યાં અગાઉથી કોઈ અસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર હાજર નથી. આમાં સરકારી સહાયતા પ્રાપ્ત અને બિન-સહાયિત કેન્દ્રો બંનેનો સમાવેશ થાય છે.

યોજના હેઠળ પસંદ કરાયેલ સેન્ટરે BIS ની હોલમાર્કિંગ યોજના મુજબ કામ કરવું પડશે. આનો અર્થ એ છે કે, સેન્ટરે સોનાની શુદ્ધતાની ચકાસણી અને હોલમાર્કિંગ સાથે જોડાયેલા નિર્ધારિત ધોરણોનું પાલન કરવું પડશે. સેન્ટર સંચાલિત કરવા માટે BIS ની માન્યતા સંબંધિત આવશ્યકતાઓને પૂરી કરવી જરૂરી છે. BIS એ અરજી કરનારા સાહસિકો માટે એક વિશેષ શરત રાખી છે. આ મુજબ, અરજદારનો જ્વેલરીના વેપાર કે મેન્યુફેક્ચરિંગ સાથે કોઈ સંબંધ હોવો જોઈએ નહીં.

ઇચ્છુક અરજદારોએ BIS ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નિર્ધારિત EOI અરજી ફોર્મનો ઉપયોગ કરવો પડશે. આ ફોર્મ કેન્દ્રીય સહાય યોજના હેઠળ ગોલ્ડ અસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર સ્થાપિત કરવા માટે જારી કરવામાં આવ્યું છે. અરજી કરતા પહેલા સંબંધિત નિયમો અને શરતો વાંચવી જરૂરી છે. આ યોજનામાં અરજી કરવા માટે 1,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત, લાગુ પડતો GST પણ આપવો પડશે. ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.

ભારતીય માનક બ્યુરો (BIS) તરફથી જારી કરાયેલા નોટિસ મુજબ, ગોલ્ડ હોલમાર્કિંગ સેન્ટર ખોલવા માટે ઇચ્છુક અરજદારોને અરજી જમા કરાવવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નોટિસમાં EOI જારી થવાની તારીખ 19 ઓક્ટોબર 2026 જણાવવામાં આવી છે. આ સ્થિતિમાં અરજદારો 18 નવેમ્બર 2026 સુધી અરજી જમા કરી શકે છે. અરજી ફોર્મ યોગ્ય રીતે ભરેલું હોવું જોઈએ અને સીલબંધ પત્રમાં BIS ના હોલમાર્કિંગ વિભાગને મોકલવું જોઈએ.