
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરીમાં ₹405 કરોડના ગોલ્ડ માઇનિંગ અને પ્રોસેસિંગ (Gold Mining & Processing) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટનની સાથે જ રાજ્યમાં કોમર્શિયલ લેવલ પર સોનાના ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ (આધારશિલા) પણ કર્યો છે. આ પ્રોજેક્ટને Geo Mysore Services India Private Limited અને Deccan Gold Mines Limited દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશના ખનન (માઇનિંગ) ક્ષેત્રમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને ઔદ્યોગિક વિકાસની સાથે-સાથે રોજગાર ઊભો કરવામાં પણ મહત્વનું યોગદાન આપશે. સરકારે પ્રોજેક્ટ માટે 1,500 એકર જમીન ફાળવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 600 એકર વિસ્તારમાં માઇનિંગ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. બાકીના વિસ્તારમાં ભવિષ્યના તબક્કાઓમાં વિસ્તરણ કરવામાં આવશે.

પ્રોજેક્ટના અંદાજ મુજબ ઓપરેશનના પ્રથમ વર્ષમાં આશરે 400 કિલોગ્રામ સોનાનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. બીજા વર્ષથી વાર્ષિક ઉત્પાદન વધીને 900 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે, જ્યારે ભવિષ્યમાં ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 2 ટન સુધી કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ લગભગ 700 લોકો માટે ડાયરેક્ટ અને ઇન-ડાયરેક્ટ રોજગારીની તકો ઊભી કરશે.

આ સાથે જ રાજ્ય સરકારને સોનાના ઉત્પાદન મૂલ્યના 4% રોયલ્ટી તરીકે પ્રાપ્ત થશે. વર્તમાન અંદાજોના આધારે 400 કિલોગ્રામ સોનાના ઉત્પાદન પર આંધ્રપ્રદેશ સરકારને અંદાજે ₹57 કરોડની રોયલ્ટી મળી શકે છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન 900 કિલોગ્રામ સુધી પહોંચશે, ત્યારે રોયલ્ટીની કમાણી વધીને આશરે ₹144 કરોડ થવાનો અંદાજ છે.

આ પ્રોજેક્ટને દેશનો સૌથી મોટો પ્રાઇવેટ સેક્ટરનો ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ જણાવવામાં આવી રહ્યો છે. આ શરૂ થવાથી આંધ્રપ્રદેશ ભારતના ગોલ્ડ માઇનિંગના નકશા પર એક મહત્વપૂર્ણ સ્થાન હાસલ કરી શકે છે. અત્યાર સુધી દેશમાં સોનાના ખનનની ઓળખ મુખ્યત્વે કર્ણાટકના કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF) સાથે જોડાયેલી રહી છે.