
વૈશ્વિક બજારમાં હાજર સોનાનો ભાવ 0.5 ટકા ઘટીને $3,353.67 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે હાજર ચાંદી 0.77 ટકા ઘટીને $36.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

મહેતા ઇક્વિટીઝના કોમોડિટીઝના વાઇસ-પ્રેસિડેન્ટ રાહુલ કલાન્ત્રીએ જણાવ્યું હતું કે, ચાંદી તેના તાજેતરના હાઈ લેવલથી નીચે આવી ગઈ છે અને ત્રણ અઠવાડિયામાં પહેલી વાર સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધી છે.

ઇઝરાયલ-ઈરાન તણાવને કારણે રોકાણકારોએ બીજા એસેટ્સમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બુલિયનમાં પોઝિશન લિક્વિડેટેડ કરી છે. આ ઉપરાંત, બેંક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે તેની નાણાકીય નીતિ બેઠકમાં દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો, જેનાથી સોના અને ચાંદીને મર્યાદિત ટેકો મળ્યો.

જો કે કલન્ત્રીએ એમ પણ કહ્યું કે, ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં વધારો અને રૂપિયાની નબળાઈએ સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવને અમુક અંશે ટેકો આપ્યો છે.

LKP સિક્યોરિટીઝના VP રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વેપારીઓ મધ્ય પૂર્વમાં યુએસ ટ્રેડ ટેરિફ અને લશ્કરી સંઘર્ષ સંબંધિત વિકાસ પર નજર રાખશે. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં યુએસની નોન-ઇનવોલ્વમેન્ટના કોઈપણ સંકેત સોના પર દબાણ બનાવી શકે છે. આવા જ સમયે, નવા તણાવના કિસ્સામાં કિંમતોને ટેકો મળી શકે છે.

નિષ્ણાતો માને છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં અસ્થિરતા, ડોલરની મજબૂતાઈ અને કેન્દ્રીય બેંકોની નાણાકીય નીતિ આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવને અસર કરતી રહેશે.