
વરદાન આપનારા દેવોના પ્રિય, લંબોદર, કલાસ્ત્રોથી પરિપૂર્ણ, હાથીના મુખ ધરાવનારા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત એવા ગણપતિજીની દરેક પ્રસંગમાં પ્રથમ પૂજા કરવામાં આવે છે.

27 ઓગસ્ટ થી ગણેશ ઉત્સવની શુભ શરૂઆત થઈ રહી છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધામધૂમથી સાર્વત્રિક ગણેશ ઉત્સવ ઉજવવા માટે અને ભક્તોએ નિજ ઘરે ગણેશજીની સ્થાપના કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવે સમય બદલાતા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે માટી અને છાણામાંથી બનાવેલી મૂર્તિઓ ભક્તોની પ્રથમ પસંદગી બની છે.

માટીના ગણેશ ભાવનગર અને તેની આજુબાજુના દરિયાકિનારા પાસેથી મળી આવતી રીવર બેડ ક્લે, રેડ સોઈલ અને ઘણીવાર ચોખાનું ભૂસુ વગેરે સમગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તિમાં રંગવા માટે જે કલર વાપરવામાં આવે છે તે પણ ઈકો ફ્રેન્ડલી હોય છે.

2 થી 2.5 ફૂટની માટીની મૂર્તિ બનાવવા માટે આશરે બે થી ત્રણ દિવસનો સમય લાગે છે અને આ મૂર્તિને સુકાવવા માટે 15 થી 20 દિવસનો સમય લાગે છે જ્યારે 12 કે 15 ફૂટની મોટી મૂર્તિ બનાવવા માટે 1 થી સવા મહિના નો સમય લાગતો હોય છે.

આભૂષણોમાં મુગટ, ગળાનો હાર, બાજુબંધ, સાફો, હાથમાં કંગન વગેરે પહેરાવવામાં આવે છે. જેમાં મોતી ,જરી, ડાયમંડ વર્ક કરવામાં આવે છે.

ઘણીવાર ભક્તોની લાગણી ને માન આપીને આ મૂર્તિ ની અંદર વિવિધ પ્રકારના ઝાડ અને છોડના બીજ પણ રાખવામાં આવે છે

જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે ત્યારે આ બીજ જમીનમાંથી વૃક્ષ રૂપે કે છોડ રૂપે ઊગી નીકળે છે.