
દર મહિને જ્યારે વીજળીનું બિલ આવે છે અને તે ધારણા કરતાં વધુ આવે છે, ત્યારે સૌથી પહેલા શંકા ફ્રિજ પર જ જાય છે. 'ફ્રિજ' એક એવું ઉપકરણ છે કે, જે 24 કલાક ચાલુ રહે છે. આથી વીજળીના બિલનો એક મોટો હિસ્સો માત્ર ફ્રિજને કારણે જ આવે છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે, જો તેઓ ફ્રિજ ખાલી રાખશે, તો તેમનું વીજળીનું બિલ ઓછું આવશે. જો કે, આ પૂરું સત્ય નથી.

વીજળીનો વપરાશ એ વાત પર નિર્ભર કરે છે કે, તમે ફ્રિજનો ઉપયોગ કેવી રીતે કરો છો. હવે જાણીએ કે, ભરેલા ફ્રિજમાં શું થાય છે? જ્યારે ફ્રિજ ફળો, શાકભાજી અને પાણીની બોટલોથી ભરેલું હોય છે, ત્યારે આ બધી વસ્તુઓ ફ્રિજની ઠંડકને પોતાની અંદર શોષી લે છે. આ ઠંડી વસ્તુઓ એક રીતે થર્મલ માસનું કામ કરે છે એટલે કે તેઓ પોતે ફ્રિજની ઠંડકને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.

આવી સ્થિતિમાં જ્યારે તમે ફ્રિજનો દરવાજો ખોલો છો, ત્યારે આ ઘન સામાન હવાની જેમ બહાર નીકળતો નથી. આનાથી એ ફાયદો થાય છે કે, કમ્પ્રેસરને ફરીથી તાપમાન ઠંડું કરવાની જરૂર પડતી નથી. આનાથી કમ્પ્રેસર પર લોડ ઓછો પડે છે અને વીજળીની પણ ભારે બચત થાય છે.

આનો અર્થ એ નથી કે, તમે ફ્રિજને આખું છલોછલ ભરી દો. જો એમ કરશો તો તે વધુ વીજળીનો વપરાશ કરવા લાગશે. આવું એટલા માટે કારણ કે, ફ્રિજના દરેક ખૂણા સુધી ઠંડી હવાને ફરવા માટે થોડી જગ્યા જોઈએ છે. એવામાં જ્યારે ફ્રિજ આખું ભરાઈ જાય છે, ત્યારે ઠંડી હવા ફ્રિજને પૂરેપૂરું ઠંડું કરી શકતી નથી, જેના કારણે ફ્રિજના સેન્સર કમ્પ્રેસરને બંધ થવા દેતા નથી અને તે સતત ચાલવાથી બિલ આસમાને પહોંચી જાય છે.

વીજળીનું બિલ ઓછામાં ઓછું રાખવા માટે અને ફ્રિજને સુરક્ષિત રીતે ચલાવવા માટે તેને માત્ર 70 થી 80 ટકા સુધી જ ભરવું જોઈએ. ફ્રિજની અંદર 20 ટકા જગ્યા હંમેશા ખાલી રહેવી જોઈએ, જેથી ઠંડી હવા આખા ફ્રિજમાં સહેલાઈથી ફરી શકે અને ફ્રિજ ઝડપથી ઠંડું થઈ જાય.