
વર્ષ 2025માં સોનાના ભાવમાં જોરદાર વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 34,050 રૂપિયા એટલે કે 43.12 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ સોનાનો ભાવ 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને 1,12,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે સોનાનો ભાવ 5,080 રૂપિયાના વધારા સાથે 1,12,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ રીતે છેલ્લા બે દિવસમાં તેમાં 5,330 રૂપિયાનો વધારો થયો છે. બુધવારે 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ 250 રૂપિયા વધીને 1,12,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું.

એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, સોનું સતત રેકોર્ડ લેવલે પહોંચી રહ્યું છે અને ટ્રેડ કરી રહ્યું છે. સોનાને સાત અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચેલા યુએસ ડોલર ઇન્ડેક્સના નબળા પડવા અને આગામી મહિનાઓમાં વ્યાજ દરોમાં તીવ્ર ઘટાડાની અપેક્ષાઓથી ટેકો મળ્યો છે. વધુમાં કહ્યું કે, ડોલરના નબળા પડવાથી, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો અને જિયો-પોલિટિકલ તણાવને કારણે સોનું મજબૂત થઈ રહ્યું છે.

આ દરમિયાન બુધવારે ચાંદીનો ભાવ રેકોર્ડ સ્તરથી 300 રૂપિયા ઘટીને 1,28,500 રૂપિયા પ્રતિ કિલો થયો. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચાંદી પાછલા સત્રમાં 1,28,800 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. સ્પોટ સિલ્વર 0.88 ટકા વધીને 41.23 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

વિદેશી બજારોમાં સ્પોટ ગોલ્ડ 0.85 ટકા વધીને 3,657.09 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. મંગળવારે તે 3,674.75 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચ પર પહોંચ્યું.
Published On - 8:27 pm, Wed, 10 September 25