
ભારતમાં ઇતિહાસમાં સૌપ્રથમવાર CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારોનું સંયુક્ત વેચાણ પેટ્રોલ કારો કરતાં આગળ નીકળી ગયું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) ના આંકડા મુજબ, ઓગસ્ટ 2026 માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં વૈકલ્પિક ઇંધણની ભાગીદારી વધીને 41.95% થઈ ગઈ હતી, જેણે પેટ્રોલ કારો (40.85%) ને પાછળ છોડી દીધી છે.

કોનો રનિંગ ખર્ચ ઓછો? ઇલેક્ટ્રિક કાર (EV): જો તમે ઘરે સામાન્ય ચાર્જિંગ કરો છો, તો તેનો રનિંગ ખર્ચ આશરે ₹1 થી ₹2.5 પ્રતિ કિલોમીટર આવે છે. જોકે, બહાર પબ્લિક ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન પર આ ખર્ચ વધીને ₹3.5 થી ₹7 પ્રતિ કિલોમીટર સુધી પહોંચી શકે છે. CNG કાર: સામાન્ય રીતે સીએનજી કાર ચલાવવાનો ખર્ચ આશરે ₹2.5 થી ₹4.5 પ્રતિ કિલોમીટર રહે છે. (નોંધ: આ ખર્ચ અંદાજિત છે, જે વીજળીના દર, સીએનજીના ભાવ, કારની માઇલેજ અને ડ્રાઇવિંગ શૈલી પર આધારિત રહે છે. જો ઘરે ચાર્જિંગની વ્યવસ્થા હોય અને રોજના કિલોમીટર વધુ હોય, તો લાંબા ગાળે EV વધુ આર્થિક ફાયદો કરાવે છે.)

BaaS (બેટરી-એઝ-અ-સર્વિસ) સાથે ઇલેક્ટ્રિક કારનો ખર્ચ: બજારમાં EV ની પ્રારંભિક કિંમત ઘટાડવા માટે કંપનીઓ BaaS મોડેલ લાવી રહી છે. ઉદાહરણ તરીકે, જો Tata Punch EV ની કિંમત ₹9.7 લાખ હોય, તો બેટરી રેન્ટલ પ્લાન સાથે તે આશરે ₹6.5 લાખની શરૂઆતી કિંમતે મળી શકે છે. આ જ રીતે Maruti e Vitara માં પણ મોટો ઘટાડો જોવા મળે છે. BaaS મોડેલમાં કાર સસ્તી મળે છે પરંતુ તેમાં દર મહિને બેટરીનું ભાડું (આશરે ₹3-4 પ્રતિ કિલોમીટર) અને ન્યૂનતમ કિલોમીટરની શરતો લાગુ પડે છે. બીજી તરફ, પેટ્રોલની સરખામણીએ ફેક્ટરી-ફિટેડ CNG કારની કિંમત લગભગ ₹1 લાખ જેટલી વધારે હોય છે.

મેન્ટેનન્સ (જાળવણી ખર્ચ) માં કોણ આગળ? EV: આમાં એન્જિન હોતું નથી, જેથી એન્જિન ઓઇલ, સ્પાર્ક પ્લગ, ક્લચ કે એક્ઝોસ્ટ સિસ્ટમની જરૂર પડતી નથી. તેના કારણે સામાન્ય મેન્ટેનન્સ ખર્ચ ઘણો ઓછો આવે છે. CNG કાર: તેમાં પેટ્રોલ એન્જિનની સાથે સાથે સીએનજી કિટની પણ સમયાંતરે ચકાસણી, સર્વિસિંગ અને ફિલ્ટર બદલવા જરૂરી બને છે.

તમારે કઈ કાર ખરીદવી જોઈએ? EV ખરીદવી ક્યારે ફાયદાકારક છે? જો તમારા ઘર કે ઓફિસમાં પર્સનલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ હોય. જો તમારું રોજનું ડ્રાઇવિંગ ફિક્સ હોય અને મોટાભાગની મુસાફરી શહેરમાં જ થતી હોય. તમે ઓછું મેન્ટેનન્સ ઇચ્છતા હોવ અને કારને ઘણા વર્ષો સુધી વાપરવાની યોજના હોય.

CNG કાર ક્યારે ઉત્તમ વિકલ્પ છે? જો તમારી પાસે ઘરે ચાર્જિંગની યોગ્ય વ્યવસ્થા ન હોય. તમારા ઘર કે ઓફિસની આસપાસ સીએનજી પંપ સરળતાથી મળી રહેતા હોય. તમારે વારંવાર લાંબા અંતરની મુસાફરી કરવાની થતી હોય અને લાંબો સમય ચાર્જિંગમાં રાહ જોવાને બદલે તરત ઇંધણ ભરીને નીકળવું હોય.

નિર્ણય માત્ર માઇલેજ જોઈને ન લો; તમારો દૈનિક વપરાશ, સ્ટેશનોની ઉપલબ્ધતા અને ઉપયોગના વર્ષોને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર પસંદ કરવી જોઈએ.