
નોકરી બદલ્યા પછી ઘણા લોકો પોતાના જૂના પીએફ (Provident Fund) ખાતાને ભૂલી જતા હોય છે. કેટલાક કર્મચારીઓ પાસે જૂના ખાતાની મેમ્બર આઈડી (MID) તો હોય છે, પરંતુ તે વર્તમાન યુએએન (UAN) સાથે જોડાયેલી હોતી નથી. આવા કિસ્સામાં ખાતામાં જમા થયેલા પૈસા વર્ષો સુધી એમ જ પડી રહે છે. હવે આ મુશ્કેલીને દૂર કરવા માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ટૂંક સમયમાં 'ઈ-પ્રાપ્તિ' (E-PRAAPTI) નામનું નવું પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, આ નવા પોર્ટલને ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. આ નવું પોર્ટલ લાવવાનો મુખ્ય હેતુ એ છે કે જૂના, બંધ અથવા નિષ્ક્રિય પીએફ ખાતામાં અટવાયેલા પૈસા કર્મચારીઓ સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ઈપીએફઓ પોતાની સિસ્ટમને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા પર કામ કરી રહ્યું છે.

શા માટે નિષ્ક્રિય બની જાય છે PF ખાતા? ઈપીએફઓ ના નિયમો અનુસાર, જો કોઈ પીએફ ખાતામાં સતત 36 મહિના સુધી કોઈ નવું યોગદાન જમા ન થાય, તો તેને ઈનઓપરેટિવ એકાઉન્ટ (Inoperative Account - નિષ્ક્રિય ખાતું) ગણવામાં આવે છે. આ પ્રકારના ઘણા ખાતાઓ નોકરી બદલવા, જૂની માહિતી ખોવાઈ જવા કે યુએએન સાથે લિંક ન હોવાને કારણે નિષ્ક્રિય થઈ જાય છે.

હાલમાં દેશમાં 30.91 લાખથી વધુ આવા નિષ્ક્રિય પીએફ ખાતાઓ છે, જેમાં લગભગ 9,330 કરોડ રૂપિયા ક્લેમ કર્યા વગર પડ્યા છે. આ જ કારણે ઈપીએફઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

શું છે E-PRAAPTI પોર્ટલ? ઈ-પ્રાપ્તિ એક નવું ડિજિટલ પ્લેટફોર્મ હશે જેની મદદથી કર્મચારીઓ પોતાના જૂના પીએફ ખાતાને શોધી શકશે, તેને વર્તમાન યુએએન સાથે જોડી શકશે અને જરૂર પડ્યે અટવાયેલી રકમ ઉપાડવાની પ્રક્રિયા પણ પૂરી કરી શકશે. આ પોર્ટલમાં આધાર (Aadhaar) દ્વારા ઓળખની પુષ્ટિ થશે, જેનાથી વારંવાર દસ્તાવેજો જમા કરાવવા કે કચેરીઓના ચક્કર કાપવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે.

કેવી રીતે કરશે કામ? આ પોર્ટલ પર સૌથી પહેલા આધાર દ્વારા સુરક્ષિત લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ કર્મચારી પોતાના જૂના પીએફ ખાતા સંબંધિત માહિતી ઓનલાઈન ભરશે. જો સિસ્ટમમાં જૂની મેમ્બર આઈડી (MID) અને વર્તમાન યુએએન (UAN) નો મેળ બેસી જશે, તો જૂનું ખાતું આપોઆપ નવા ખાતા સાથે જોડાઈ જશે. ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કે પૈસા ઉપાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકશે.

જો કોઈ કર્મચારી પાસે યુએએન ન હોય, તો પોર્ટલ નવું યુએએન બનાવવામાં પણ મદદ કરશે. વળી, જે લોકોને પોતાની જૂની મેમ્બર આઈડી યાદ નથી, તેમના આવેદનની તપાસ સંબંધિત ઈપીએફઓ કાર્યાલય કરશે અને ઓળખની પુષ્ટિ થયા બાદ આગળની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

કયા લોકોને પહેલા મળશે ફાયદો? આ સુવિધા શરૂઆતમાં એવા કર્મચારીઓ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થશે, જેમની પાસે પોતાના જૂના પીએફ ખાતાની મેમ્બર આઈડી (MID) મોજૂદ છે. પાછળથી ઈપીએફઓ આ પોર્ટલમાં એવા લોકો માટે પણ સુવિધાઓ ઉમેરશે, જેમને પોતાના જૂના ખાતાની માહિતી પૂરેપૂરી યાદ નથી.
Published On - 5:58 pm, Thu, 6 August 26