
જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો અને ભવિષ્યમાં PF ના પૈસા ઉપાડવા અથવા ઈ-નોમિનેશન કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. EPFO એ હવે પોર્ટલ પર પ્રોફાઇલ ફોટો અપડેટ કરવો અનિવાર્ય (ફરજિયાત) કરી દીધો છે. જો સભ્યએ પોતાનો ફોટો અપલોડ નથી કર્યો, તો PF ઉપાડવાનો દાવો (ક્લેમ) અને ઈ-નોમિનેશન જેવી જરૂરી સેવાઓ વચ્ચે જ અટકી શકે છે. સંગઠનનું કહેવું છે કે, આ પગલું ડિજિટલ સુરક્ષા અને સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

EPFO ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રોફાઇલ ફોટો સભ્યની ડિજિટલ ઓળખનો મહત્વનો ભાગ છે. જો પોર્ટલ પર ફોટો ઉપલબ્ધ નહીં હોય, તો ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ શકશે નહીં. ઈ-નોમિનેશન વિના PF ક્લેમના નિકાલમાં મુશ્કેલી આવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં ચુકવણીમાં વિલંબ પણ થઈ શકે છે. આથી તમામ સભ્યોને સમયસર પોતાની પ્રોફાઇલ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

EPFO એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ફોટો અપડેટ કરવો પૂરતો નથી. સભ્યોએ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી જરૂરી માહિતી પણ સાચી અને અપડેટ રાખવી જોઈએ. આનાથી PF ટ્રાન્સફર, ઉપાડ, પેન્શન અને અન્ય ઓનલાઈન સેવાઓનો લાભ કોઈપણ અવરોધ વિના મળી શકશે.

EPFO પોર્ટલ પર ફોટો અપડેટ કરવા માટે સૌથી પહેલા EPFO પોર્ટલ પર જવું પડશે. ત્યારબાદ તમારા 12 અંકના UAN અને પાસવર્ડથી લોગિન કરવું પડશે. આટલું કર્યા બાદ હોમ પેજ ખૂલ્યા પછી 'View' ટેબ પર ક્લિક કરો અને 'Profile' ઓપ્શન પસંદ કરો.

પ્રોફાઇલ પેજ પર ડાબી બાજુ દેખાતા 'Change Photo' ઓપ્શન પર ક્લિક કરો. આ બાદ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી પાસપોર્ટ સાઈઝનો ડિજિટલ ફોટો પસંદ કરો. હવે ફોટોનું પ્રિવ્યૂ જોયા પછી 'Upload Photograph' પર ક્લિક કરો અને 'OK' દબાવીને પ્રક્રિયા પૂરી કરો.

EPFO ની ઓનલાઈન સેવાઓનો લાભ કોઈપણ અવરોધ વિના લેવા માટે તમામ સભ્યો પોતાની પ્રોફાઇલ સમય-સમય પર અપડેટ કરતા રહે. ખાસ કરીને જો તમે હજુ સુધી પ્રોફાઇલ ફોટો અપલોડ નથી કર્યો, તો તેને જલ્દીથી પૂરો કરી લો. આનાથી ભવિષ્યમાં PF ક્લેમ, ઈ-નોમિનેશન અને અન્ય સેવાઓમાં બિનજરૂરી વિલંબથી બચી શકાશે.
Published On - 8:33 pm, Mon, 20 July 26