
જો તમે નોકરી છોડી દીધી હોય અને હજુ સુધી નવી નોકરી ન મળી હોય, તો સૌથી પહેલો સવાલ મનમાં આવે છે કે શું આખું PF (EPF) બેલેન્સ ઉપાડી શકાય? અગાઉ તેનો જવાબ "હા" હતો, પરંતુ હવે નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. EPF યોજના 2026 હેઠળ કર્મચારીઓ હવે નોકરી છોડ્યા બાદ તરત જ સંપૂર્ણ PF ઉપાડી શકશે નહીં. સરકારનો હેતુ કર્મચારીઓની નિવૃત્તિ બચતને સુરક્ષિત રાખવાનો અને લાંબા ગાળે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ જાળવી રાખવાનો છે.

નવા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી નોકરી છોડ્યા પછી બેરોજગાર બને છે, તો તે પોતાના કુલ EPF બેલેન્સમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે. આ બેલેન્સમાં કર્મચારીનું યોગદાન, નોકરીદાતાનું યોગદાન તેમજ તેના પર મળેલું વ્યાજ – ત્રણેયનો સમાવેશ થાય છે. બાકીના 25 ટકા પૈસા તરત ઉપલબ્ધ નહીં થાય. આ રકમ ઉપાડવા માટે કર્મચારીને સતત 12 મહિના સુધી બેરોજગાર રહેવું પડશે. ત્યારબાદ જ બાકીની રકમ ઉપાડવાની મંજૂરી મળશે.

1952ની જૂની EPF યોજના મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડ્યા બાદ સતત બે મહિના સુધી બેરોજગાર રહેતો, તો તે પોતાનું આખું PF બેલેન્સ ઉપાડી શકતો હતો. આ નિયમને કારણે ઘણા કર્મચારીઓ દરેક વખતે નોકરી બદલતી વખતે સંપૂર્ણ PF ઉપાડી લેતા હતા. પરિણામે તેમની નિવૃત્તિ માટેની લાંબા ગાળાની બચત વારંવાર ખાલી થઈ જતી હતી અને ભવિષ્ય માટેનું નાણાકીય સુરક્ષા કવચ નબળું પડતું હતું.

સરકારના જણાવ્યા અનુસાર PFનો મુખ્ય હેતુ નિવૃત્તિ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે, નોકરી બદલાવ દરમિયાનના ખર્ચને પૂરો કરવાનો નહીં. જો કર્મચારી દરેક નોકરી બદલતી વખતે આખું PF ઉપાડી લે છે, તો તેના ખાતામાં મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ બંધ થઈ જાય છે. લાંબા ગાળે તેની નિવૃત્તિ બચત નોંધપાત્ર રીતે ઘટી શકે છે. નવા નિયમો હેઠળ ઓછામાં ઓછા 25 ટકા રકમ PF ખાતામાં જ રહેશે. આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને જો કર્મચારીને એક વર્ષની અંદર નવી નોકરી મળી જાય, તો તે જ ખાતામાં યોગદાન ફરી શરૂ થઈ શકશે, જેના કારણે બચત સતત વધતી રહેશે.

સરકારે આંશિક PF ઉપાડ સંબંધિત નિયમોને પણ વધુ સરળ બનાવ્યા છે. અગાઉ વિવિધ જરૂરિયાતો માટે કુલ 13 અલગ-અલગ કેટેગરી અને શરતો હતી. હવે આ નિયમોને સરળ બનાવીને માત્ર ત્રણ મુખ્ય શ્રેણીમાં સમાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત, મોટાભાગના એડવાન્સ PF ઉપાડ માટે હવે ઓછામાં ઓછા 12 મહિનાની સભ્યતા પૂરતી રહેશે. અગાઉ કેટલાક કેસમાં 7 વર્ષ સુધીની નોકરી અથવા સભ્યપદની શરત લાગુ પડતી હતી.

નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો બેરોજગારીનો સમયગાળો થોડા મહિનાનો હોય, તો PFમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની સુવિધા મોટી રાહત સાબિત થઈ શકે છે. પરંતુ જો નવી નોકરી મેળવવામાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગે, તો બાકીના 25 ટકા ભંડોળ લોક રહેશે. આવી સ્થિતિમાં દૈનિક ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી દરેક કર્મચારીએ PF ઉપરાંત અલગથી ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું જોઈએ. આ ફંડ ભાડું, કરિયાણું, વીજળીનું બિલ, દવાઓ અને અન્ય જરૂરી ખર્ચાઓને સરળતાથી પહોંચી વળવામાં મદદરૂપ બને છે.
Published On - 9:21 pm, Sat, 1 August 26