ભારત સહિત પાંચ દેશની ધરતી ધ્રુજી, તિબેટમાં તબાહી સર્જતો ભૂકંપ, જુઓ ફોટા
મંગળવારે સવારે ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌથી વધુ વિનાશ તિબેટમાં થયો હતો. અહીં સત્તાવાર રીતે 50 થી વધુ, જ્યારે બીનસત્તાવાર રીતે 80 લોકો મોત થયા છે. ભૂકંપને કારણે થયેલા પારાવાર નુકસાન બાદ તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. જે જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર છે તે તિબેટનું સૌથી પવિત્ર શહેર ગણાય છે.
1 / 5
મંગળવારના દિવસની શરૂઆત ભારત સહિત 5 દેશમાં ભૂકંપના આંચકા સાથે થઈ હતી. ભારત, બાંગ્લાદેશ, નેપાળ, તિબેટ અને ઈરાન સુધી શક્તિશાળી ભૂકંપે ધરતી ધ્રુજાવી નાખી હતી. ભૂકંપને કારણ ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. સૌથી મોટો વિનાશ તિબેટમાં થયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8ની નોંધાઈ હતી.
2 / 5
તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝે શહેરની ડિંગરી કાઉન્ટીમાં ચીનના સમય અનુસાર મંગળવારે સવારે 9:05 વાગ્યે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર 6.8ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયુ હતું.
3 / 5
શિન્હુઆના જણાવ્યા અનુસાર, ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપ નેપાળ સરહદની નજીક તિબેટ વિસ્તારમાં આવ્યો હતો. ભૂકંપ તિબેટ ક્ષેત્રના પર્વતીય વિસ્તારમાં લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
4 / 5
ચીનની ન્યૂઝ એજન્સી સીસીટીવીએ જણાવ્યું કે ચીનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધી છે. અધિકેન્દ્રની આસપાસના વિસ્તારની સરેરાશ ઊંચાઈ લગભગ 4,200 મીટર (13,800 ફૂટ) છે. સીસીટીવીનો ઓનલાઈન રિપોર્ટમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં બહુ ઓછા લોકો રહે છે. ભૂકંપનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી 380 કિલોમીટર દૂર છે.
5 / 5
2020ના ડેટા અનુસાર, ડીંગરીમાં લગભગ 60,000 લોકો રહે છે. ચીનના હવામાન પ્રશાસનના જણાવ્યા અનુસાર, ડીંગરીમાં તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને આજે સાંજે તે ઘટીને માઈનસ 18 ડિગ્રી થઈ જશે. ચીનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં વારંવાર ભૂકંપ આવે છે. 2008માં સિચુઆન પ્રાંતમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં લગભગ 70,000 લોકો માર્યા ગયા હતા. 'CCTV' અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં શિગાઝમાં ત્રણ કે તેથી વધુ તીવ્રતાના 29 ભૂકંપ આવ્યા છે. શિગાઝે તિબેટના સૌથી પવિત્ર શહેરોમાંનું એક છે. તે પંચેન લામાની બેઠક છે. જે તિબેટીયન બૌદ્ધ ધર્મની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. જેમની આધ્યાત્મિક સત્તા દલાઈ લામા પછી બીજા સ્થાને છે.