
આજના સમયમાં ઘર ખરીદવું એ દરેક મધ્યમ વર્ગના પરિવારનું સપનું હોય છે. એવામાં મિલકતોની વધતી જતી કિંમતોને કારણે એકસાથે ડાઉન પેમેન્ટની રકમ ભેગી કરવી સરળ નથી. આવી સ્થિતિમાં, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમારા માટે એક સ્માર્ટ અને વ્યવસ્થિત માર્ગ બની શકે છે, જેના દ્વારા થોડા વર્ષોમાં એક સારું ફંડ તૈયાર કરી શકાય છે.

ઘર ખરીદવા માટે રોકાણ શરૂ કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે, તમારે કેટલા સમય પછી ઘર લેવું છે અને ડાઉન પેમેન્ટ માટે કેટલી રકમની જરૂર પડશે. સામાન્ય રીતે બેંકો 15-25% ડાઉન પેમેન્ટ માંગતી હોય છે.

માની લો કે, જો તમે ₹50 લાખનું ઘર ખરીદવા માંગતા હોવ, તો તમારે ઓછામાં ઓછા ₹10-12 લાખની જરૂર પડશે. જો તમારી પાસે 3 થી 7 વર્ષનો સમય હોય, તો મ્યુચ્યુઅલ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

જો તમે આગામી 1 થી 3 વર્ષમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો ઇક્વિટીમાં જોખમ લેવું યોગ્ય નથી. આ સમયગાળા માટે શોર્ટ-ટર્મ ડેટ ફંડ (Short-term debt fund), લિક્વિડ ફંડ (Liquid fund) અથવા મની માર્કેટ ફંડ ઉત્તમ વિકલ્પ ગણાય છે. આમાં રિટર્ન ભલે મર્યાદિત હોય પરંતુ તમારી મૂડી સુરક્ષિત રહે છે અને બજારના ઘટાડાની તેના પર વધુ અસર થતી નથી.

જો તમારો લક્ષ્યાંક 3 થી 5 વર્ષ દૂર હોય, તો એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ (Aggressive hybrid fund) અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ સારો વિકલ્પ બની શકે છે. આ ફંડ્સમાં ઇક્વિટી અને ડેટ બંનેનું મિશ્રણ હોય છે, જેના કારણે જોખમ ઓછું રહે છે અને ડેટ ફંડ કરતા વધુ સારું વળતર મળી શકે છે. આ એવા રોકાણકારો માટે યોગ્ય છે કે, જેઓ થોડું જોખમ લઈને વધુ સારી વૃદ્ધિ (Growth) ઈચ્છે છે.

જો ઘર ખરીદવામાં 5 વર્ષ કે તેથી વધુનો સમય હોય, તો લાર્જ કેપ (Large Cap) અથવા ફ્લેક્સી કેપ (Flexi Cap) ઇક્વિટી ફંડ્સ સારા વિકલ્પો બની શકે છે. લાંબાગાળે ઇક્વિટી માર્કેટ સામાન્ય રીતે વધુ સારું વળતર આપે છે, જેનાથી ડાઉન પેમેન્ટ માટે મોટું ફંડ (Corpus) તૈયાર કરી શકાય છે. SIP દ્વારા નિયમિત રોકાણ કરવાથી કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો લાભ પણ મળે છે.

એવામાં જેમ જેમ તમારો લક્ષ્યાંક નજીક આવે, તેમ તેમ ઇક્વિટીમાંથી ધીમે-ધીમે પૈસા કાઢીને ડેટ ફંડમાં શિફ્ટ કરવા જોઈએ. આ માટે STP (Systematic Transfer Plan) નો ઉપયોગ કરી શકાય છે.

આનાથી બજારના ઘટાડાનું જોખમ ઓછું થઈ જાય છે અને જમા થયેલી રકમ સુરક્ષિત રહે છે. STP એ મ્યુચ્યુઅલ ફંડની એક એવી સુવિધા છે કે, જેમાં તમે તમારા પૈસા એક ફંડમાંથી બીજા ફંડમાં ધીમે-ધીમે (નિયમિત અંતરાલ પર) ટ્રાન્સફર કરી શકો છો.