
લીલાં મરચાં ભારતીય રસોઈનો એક અત્યંત મહત્વનો ભાગ છે. દાળ, શાક, ચટણી કે સ્નેક્સ, લગભગ દરેક વાનગીમાં તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે ફ્રિજમાં રાખવા છતાં પણ લીલાં મરચાં થોડા જ દિવસોમાં કાળાં પડી જાય છે, સુકાઈ જાય છે અથવા સડી જાય છે. આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ મરચાંને સ્ટોર કરવાની ખોટી પદ્ધતિ છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો મરચાંને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

સૌથી પહેલાં કરો યોગ્ય સફાઈ: બજારમાંથી લીલાં મરચાં લાવ્યા પછી સૌથી પહેલાં તેના ડીંટડી (સ્ટેમ) તોડીને અલગ કરી લો. ત્યારબાદ મરચાંને હળદરવાળા પાણીથી બરાબર ધોઈ લો, જેથી તેના પર લાગેલી ધૂળ-માટી અને બેક્ટેરિયા સાફ થઈ જાય. હળદરવાળા પાણી પછી તેને એકવાર સાફ પાણીથી ધોઈને કપડા પર બરાબર સુકવી લો. ખાસ ધ્યાન રાખો કે મરચાં પર જરાય ભેજ (નમી) ન રહેવો જોઈએ, કારણ કે ભેજના લીધે મરચાંમાં ફૂગ લાગે છે અને તે સડવા માંડે છે.

આ રીતે કરો પરફેક્ટ સ્ટોરેજ: જ્યારે મરચાં સંપૂર્ણપણે સુકાઈ જાય, ત્યારે તેને એક ઝિપ-લોક બેગ (Zip-lock bag) અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરીને રાખો. ઘણી ગૃહિણીઓ મરચાંની સાથે ડબ્બામાં 2 થી 3 લસણની કળીઓ રાખવાની પણ સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે લસણ વધારાના ભેજને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી મરચાં લાંબા સમય સુધી બગડતા નથી. આ રીતે પેક કરેલી બેગ કે કન્ટેનરને ફ્રિજની વેજીટેબલ ટ્રેમાં મૂકી દો. આ દેશી જુગાડથી લીલાં મરચાં 2 થી 3 અઠવાડિયા કે તેનાથી પણ વધુ સમય સુધી એકદમ તાજા અને કડક રહેશે.

લીલાં મરચાંના સ્વાસ્થ્ય ફાયદા: લીલાં મરચાં માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન શરીર માટે ફાયદાકારક છે. કોથમીર, ફુદીનો, નાળિયેર અને સીંગદાણાની ચટણી બનાવવામાં પણ લીલાં મરચાંનો ખાસ ઉપયોગ થાય છે.

મરચાં કેટલાં તીખાં છે તે કેવી રીતે મપાય? મરચાંની તીખાસ માપવા માટે વૈજ્ઞાનિક રીતે 'સ્કોવિલ સ્કેલ' (Scoville Scale) નો ઉપયોગ કરવામાં આવે છે. મરચાંની અંદર રહેલું 'કેપ્સાસીન' (Capsaicin) નામનું તત્વ તેની તીખાસ નક્કી કરે છે. જે મરચાંનું સ્કોવિલ હીટ યુનિટ (SHU) જેટલું વધારે હોય, તે મરચું એટલું જ વધારે તીખું માનવામાં આવે છે.