
ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમના ઘૂંટણની ત્વચા બાકીના શરીરની તુલનામાં વધુ ડ્રાય, ખરબચડી અને કાળી દેખાય છે. હવે ઘણા લોકો ઘૂંટણની આ કાળાશને દૂર કરવા માટે વારંવાર સ્ક્રબ કરે છે. ઘણા પ્રકારના ઘરેલું ઉપાયો અજમાવે છે પણ છતાં તેમને કોઈ ખાસ ફરક દેખાતો નથી. જો તમે પણ આ લોકોમાંથી એક છો અને ઘૂંટણની કાળાશ સાફ કરવાનો કોઈ અસરકારક ઉપાય શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ઘૂંટણનો રંગ હળવો કાળો હોવો એ સામાન્ય વાત છે. જો કાળાશ વધારે હોય તો સાચી સ્કિન કેરથી તેને ઘણે અંશે ઓછી કરી શકાય છે. આ અંગે ડર્મેટોલોજિસ્ટ જણાવે છે કે, ત્વચા પર સોજો કે કોઈ ઈજા થયા પછી ઘૂંટણ પર કાળા નિશાન પડી જાય છે. તેને પોસ્ટ-ઈન્ફ્લેમેટરી હાઈપરપિગ્મેન્ટેશન કહેવામાં આવે છે.

આ સિવાય ઘૂંટણની ત્વચા જાડી હોવાને કારણે વારંવાર ઘસારો લાગવા કે વધુ ઘર્ષણને કારણે પણ ત્વચાનો રંગ કાળો પડવા લાગે છે. મેદસ્વિતા (મોટાપા) ના કારણે પણ ઘૂંટણનો રંગ કાળો દેખાઈ શકે છે. આ બધાથી અલગ કેટલાક લોકોના ઘૂંટણ કુદરતી રીતે જ શરીરના બાકીના ભાગો કરતા થોડા કાળા હોય છે. સ્કિનના ડૉક્ટર જણાવે છે કે, ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે સૌથી પહેલા અઠવાડિયામાં એકવાર હળવું એક્સફોલિએશન (Exfoliation) કરી શકાય છે. આનાથી ઘૂંટણ પર જમા થયેલી ડેડ સ્કિન સાફ કરવામાં મદદ મળે છે.

બસ ધ્યાન રાખો કે, તમારે તમારા ઘૂંટણને જોર-જોરથી ઘસવાના નથી. વધુ ઘસવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને કાળાશની સમસ્યા વધુ વધી શકે છે. આ સિવાય ડ્રાય સ્કિન વધુ કાળી દેખાય છે. એવામાં ડર્મેટોલોજિસ્ટ ઘૂંટણ પર દિવસમાં ઓછામાં ઓછું 2 વાર મોઈશ્ચરાઈઝર લગાવવાની સલાહ આપે છે. આનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે અને ઘૂંટણ ડ્રાય પણ દેખાતા નથી. જો ઘૂંટણ ખૂબ જ કાળા હોય, તો ડર્મેટોલોજિસ્ટની સલાહથી સ્કિન લાઈટનિંગ ક્રીમનો ઉપયોગ કરી શકાય છે.

આ બધા સિવાય ઘૂંટણ પર કપડાંનો સતત ઘસારો પણ કાળાશ વધારી શકે છે. તેથી ખૂબ ટાઈટ કપડાં પહેરવાનું ટાળો. ઘૂંટણને વારંવાર ઘસીને સાફ કરવાનું પણ બંધ કરો. આનાથી કાળાશ વધુ વધવા લાગે છે. આ નાની-નાની ટિપ્સ ફોલો કરીને તમે તમારા ઘૂંટણની કાળાશને ઘણે અંશે ઓછી કરી શકો છો. જો કે, આટલું કર્યા પછી પણ જો કાળાશ અચાનક વધી રહી હોય, ત્વચા જાડી થઈ રહી હોય કે સાથે ખંજવાળ, લાલાશ (રેડનેસ) જેવી સમસ્યા હોય, તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી વધુ સારી રહેશે.