
ઈરાનના સૌથી મોટા ક્રૂડ ઓઈલ એક્સપોર્ટ હબ ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) પાસે દરિયામાં વિશાળ ઓઈલ સ્પિલ (તેલનું ગળતર) થયું છે. સેટેલાઈટ તસવીરોમાં ગલ્ફના પાણીમાં ઝડપથી ફેલાતું તેલ દેખાયું છે. હજારો બેરલ તેલ લીક થવાની આશંકા છે, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ, દરિયાકાંઠાના વિસ્તારો અને સમગ્ર ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે. સેટેલાઈટ તસવીરોની સમીક્ષા કરનારા વિશ્લેષકો અને પર્યાવરણ નિરીક્ષણ જૂથોએ આ જાણકારી આપી છે. 6 મે થી 8 મે વચ્ચે લેવામાં આવેલી તસવીરોમાં આ તેલનું ગળતર જોવા મળ્યું હતું.


ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો : વિશ્વના ક્રૂડ ઓઈલના પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. માર્ગ ફરીથી ખોલવાના અને સંઘર્ષના અંતના સમાચારથી વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડની કિંમત 3.95% ઘટીને $83.88 પ્રતિ બેરલ થઈ ગઈ છે, જે મનોવૈજ્ઞાનિક $85 ના સ્તરથી ઘણી નીચે આવી ગઈ છે.

તેલ ગળતર (Oil Spill)નો સ્ત્રોત હજુ સ્પષ્ટ થયો નથી. વિશ્લેષકોએ જણાવ્યું કે, આ ગળતર જૂના ઓફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલું હોઈ શકે છે. આમાં ખાર્ગ આઈલેન્ડને અબુઝર (Abuzar) ઓઈલ ફિલ્ડ સાથે જોડતી અન્ડરસી પાઈપલાઈનમાં ભંગાણની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ઈરાન ઓપન ડેટામાં ઈરાનના એનર્જી સેક્ટરને ટ્રેક કરનારા વિશ્લેષક ડાલ્ગા ખાટિનોગ્લુએ જણાવ્યું કે, ટેન્કરોમાં મોટાપાયે ક્રૂડ સ્ટોરેજ સ્પિલનું જોખમ વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે, અબુઝર ફિલ્ડ સુધી જતી જૂની અન્ડરસી પાઈપલાઈનમાં તૂટફૂટ પણ એક કારણ હોઈ શકે છે.

કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ચાલી રહેલી અમેરિકી નૌકાબંધીને કારણે ઈરાનની ઓઈલ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે નિકાસમાં મુશ્કેલી અને સ્ટોરેજ ક્ષમતા પર અસર પડી રહી છે. જો કે, તેલને જાણીજોઈને દરિયામાં છોડવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ખાર્ગ આઈલેન્ડ ઈરાનની લગભગ 90% ઓઈલ નિકાસ સંભાળે છે અને તેનો મોટો હિસ્સો ચીન મોકલવામાં આવે છે. સંઘર્ષ દરમિયાન આ ટાપુ અને આસપાસના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત દબાણ રહ્યું છે. આ અગાઉ અમેરિકી દળો આ વિસ્તારમાં સૈન્ય સ્થળોને નિશાન બનાવી ચૂક્યા છે.
Published On - 2:32 pm, Sat, 9 May 26