
મગ દાળના સ્પ્રાઉટ્સને આજે એક સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શરીર માટે જરૂરી અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું મગની દાળના સ્પ્રાઉટ્સ રોજ ખાવા સ્વાસ્થ્ય માટે ખરેખર યોગ્ય છે? ચાલો જાણીએ આ વિષય પર નિષ્ણાતો શું કહે છે.

મગની દાળ ભારતીય ભોજનનો અવિભાજ્ય ભાગ રહી છે. તે હલકી, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવી દાળ છે. ભારતમાં મગની દાળ ખાવાની સૌથી જૂની રીત ખીચડી બનાવવાની છે, પરંતુ આજકાલ લોકો તેને અલગ–અલગ રીતે, ખાસ કરીને ફણગાવીને (સ્પ્રાઉટ્સ) ખાવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર વજન ઘટાડા, ડાયાબિટીસ નિયંત્રણ અને ફિટનેસ સાથે જોડાયેલા અનેક વીડિયો અને રીલ્સમાં મગના સ્પ્રાઉટ્સના ફાયદાઓ બતાવવામાં આવે છે, જેના કારણે તેની લોકપ્રિયતા વધી છે.

આરોગ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયન મગની દાળને સામાન્ય રીતે ખૂબ જ ફાયદાકારક માને છે. જોકે, પ્રશ્ન એ છે કે જે ખોરાક એટલો સ્વસ્થ ગણાય છે, તેને શું રોજ ખાવું યોગ્ય છે? કારણ કે મગની દાળ ઉચ્ચ પ્રોટીન ધરાવતો ખોરાક છે, તેથી તેને રોજ આહારમાં સામેલ કરતાં પહેલા યોગ્ય માહિતી હોવી જરૂરી છે.

મગની દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે સ્નાયુઓ, કોષોની રચના અને શરીરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, સ્વસ્થ ચરબી તેમજ વિટામિન B1, B2, B3 અને B9 (ફોલેટ) મળે છે. ખનિજોમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. આ દાળ પેટ માટે હલકી હોવાથી પાચનમાં મદદ કરે છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ્સ પણ ભરપૂર હોય છે.

વરિષ્ઠ ડાયેટિશિયન ગીતિકા ચોપરા કહે છે કે મગની દાળના સ્પ્રાઉટ્સને પોષણની દૃષ્ટિએ 10 માંથી 10 ગુણ આપવાનું મન થાય એવું છે. જોકે, જો કોઈ વ્યક્તિને યુરિક એસિડની સમસ્યા હોય, તો આવા ઉચ્ચ પ્રોટીનવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ.

તેમના મતે, ફક્ત મગની દાળના સ્પ્રાઉટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય નથી. પ્રોટીન માટે ચણા, પનીર, ટોફુ, સોયાબીન જેવા વિકલ્પો પણ આહારમાં સામેલ કરી શકાય છે. જ્યારે માંસાહારી લોકો માટે ઈંડા અને ચિકન ઉત્તમ પ્રોટીન સ્ત્રોત છે.

નિષ્ણાતો જણાવે છે કે સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતા લોકો, જેમને કોઈ ખાસ તબીબી સમસ્યા નથી, તેઓ રોજ મગની દાળના સ્પ્રાઉટ્સ ખાઈ શકે છે. જોકે, ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તો સ્પ્રાઉટ્સને હળવા ઉકાળી ને ખાવા વધુ યોગ્ય છે. દરરોજ આશરે 100 ગ્રામ સ્પ્રાઉટ્સ પૂરતા ગણાય છે અને તેને અન્ય ખોરાક સાથે ભેળવીને લેવાં જોઈએ. વિટામિન C પ્રોટીનના શોષણમાં મદદ કરે છે, તેથી સ્પ્રાઉટ્સ સાથે લીંબુ અથવા કાકડી ઉમેરવી ફાયદાકારક છે.

મગની દાળના સ્પ્રાઉટ્સ ક્યારે ખાવા શ્રેષ્ઠ? છે તેની વાત કરવામાં આવે તો ધર્મશિલા નારાયણ હોસ્પિટલની સિનિયર ડાયેટિશિયન પાયલ શર્મા જણાવે છે કે મગના સ્પ્રાઉટ્સ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. સવારના સમયે શરીરનું મેટાબોલિઝમ ઝડપી હોય છે, જેના કારણે પ્રોટીન અને અન્ય પોષક તત્વો સારી રીતે શોષાઈ જાય છે. સ્પ્રાઉટ્સ પચાવવા માટે શરીરને થોડી શારીરિક પ્રવૃત્તિની જરૂર પડે છે, તેથી સવારમાં ખાધા બાદ સક્રિય રહેવું પાચન માટે લાભદાયી સાબિત થાય છે.

નિષ્ણાતો એ પણ ચેતવે છે કે યુરિક એસિડ, સાંધાના દુખાવા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોએ મગની દાળ કે અન્ય પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ. વધુ પ્રોટીન લેવાથી કેટલીક સ્થિતિમાં હાડકા અને સાંધાનો દુખાવો વધી શકે છે. તેથી આવા ખોરાકને હંમેશા શાકભાજી સાથે સંતુલિત રીતે લેવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
Published On - 7:57 pm, Wed, 28 January 26