
ડેવિડ મલાન ODI અને T20 ફોર્મેટમાં નિષ્ણાત બેટ્સમેન હતો. ખાસ કરીને T20 ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર હતું. મલાને 62 T20 મેચોમાં 36.38ની એવરેજથી 1892 રન બનાવ્યા અને આ ખેલાડી લાંબા સમય સુધી ICC T20 રેન્કિંગમાં ટોચના સ્થાન પર છે.

મલાન વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે T20 રેન્કિંગમાં 900થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. વિરાટ કોહલી પણ લાંબા સમય સુધી T20 રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર હતો પરંતુ તેનું સર્વોચ્ચ રેટિંગ 897 જ હતું.

ડેવિડ મલાનનો ઉછેર દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેણે દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત પણ કરી હતી પરંતુ તે પછી તે 2006માં ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો હતો અને તે પછી તે લાંબા સમય સુધી મિડલસેક્સ માટે રમ્યો હતો.

મલાનની કરિયરની રસપ્રદ વાત એ છે કે 2017માં તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પોતાના દેશ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. મલાને પ્રથમ T20 મેચમાં 78 રન બનાવ્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો.

વર્ષ 2020 સુધીમાં મલાન નંબર-1 T20 બેટ્સમેન બન્યો હતો. મલાને T20 ઈન્ટરનેશનલમાં માત્ર 24 ઈનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં T20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમનો તે ભાગ હતો.