
કર્ણાટકે એક એવો બેટ્સમેન ટીમમાં સામેલ કર્યો છે જે દરેક મેચમાં રન બનાવી રહ્યો છે. આ ખેલાડી કર્ણાટકનો રન મશીન બની ગયો છે, અને ફક્ત સદી નહીં પરંતુ બેવડી સદી પણ ફટકારી રહ્યો છે.

અમે રવિચંદ્રન સ્મરણ વિશે વાત કરી રહ્યા છીએ, જેણે ચંદીગઢ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. હુબલી ખાતે શાનદાર બેટિંગ કરતા આ વિસ્ફોટક ડાબા હાથના બેટ્સમેને અણનમ 227 રન બનાવ્યા હતા, જે તેના કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર પણ છે.

રવિચંદ્રને તેની ઈનિંગમાં બે છગ્ગા અને 16 ચોગ્ગા પણ ફટકાર્યા હતા આ ઈનિંગથી કર્ણાટકને પ્રથમ ઈનિંગમાં 547 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી.

રવિચંદ્રન સ્મરણ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પાંચ મેચમાં તેણે 147 થી વધુની સરેરાશથી 595 રન બનાવ્યા છે. રવિચંદ્રને આ સિઝનમાં બે બેવડી સદી ફટકારી છે. ફક્ત 13 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તે કુલ ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.

રવિચંદ્રન સ્મરણ આ સિઝનમાં પોતાની બંને બેવડી સદી ફટકારીને અણનમ રહ્યો હતો. આ વર્ષે રેડ-બોલ ક્રિકેટમાં તેની સરેરાશ 115 છે અને તેણે 1,035 રન બનાવ્યા છે. (PC: PTI)