
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધોનીને ફ્રેન્ચાઇઝીના મેન્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. એટલું જ નહીં, ટીમના આગામી મુખ્ય કોચની પસંદગીમાં પણ તેમની નિર્ણાયક ભૂમિકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મીડીયા અહેવાલ અનુસાર, CSKમાં સ્ટીફન ફ્લેમિંગના કાર્યકાળ બાદ કોચનું પદ ખાલી થયું છે. ફ્રેન્ચાઇઝી નવા મુખ્ય કોચની શોધમાં છે અને આ પ્રક્રિયામાં ધોનીની સલાહ તેમજ અંતિમ નિર્ણયને મહત્વ આપવામાં આવી શકે છે. જોકે, આ અંગે CSK તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ નવા કોચની પસંદગી ઉતાવળમાં નહીં કરે. ફ્રેન્ચાઇઝી યોગ્ય ઉમેદવારની પસંદગી માટે સમય લેશે અને આ સમગ્ર પ્રક્રિયામાં ધોનીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની સંભાવના છે. જો આ અહેવાલ સાચો સાબિત થાય તો CSKના ક્રિકેટિંગ નિર્ણયો પર ધોનીનો પ્રભાવ વધુ મજબૂત બનશે.

મહેન્દ્ર સિંહ ધોની હાલ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ખેલાડી તરીકે જોડાયેલા છે. IPL 2025ની મેગા હરાજી પહેલા CSKએ તેમને ₹4 કરોડમાં રિટેન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને પાંચ વર્ષથી વધુ સમય વીતી જતાં તેમને IPLના નિયમો મુજબ 'અનકેપ્ડ પ્લેયર' કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ઈજાના કારણે ધોની IPL 2026માં એક પણ મેચ રમી શક્યા નહોતા. હવે તેઓ IPL 2027માં ખેલાડી તરીકે પરત ફરશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય તેમના પર નિર્ભર છે. જો તેઓ રમવાનું પસંદ નહીં કરે, તો CSK તેમને સત્તાવાર રીતે મેન્ટર તરીકે ટીમ સાથે જોડવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોનીને ટીમની ક્રિકેટિંગ સ્ટ્રેટેજી, ખેલાડીઓના માર્ગદર્શન અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં મુખ્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભલે તેઓ કોઈ સત્તાવાર હોદ્દા પર હોય કે ન હોય, પરંતુ ટીમના ભવિષ્યને આકાર આપવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહેવાની શક્યતા છે.(All Image - BCCI)