જસપ્રીત બુમરાહનું આઈપીએલ 2025માં રમવું હજુ મુશ્કેલ લાગી રહ્યું છે. આને લઈ હવે નવી અપટેડ સામે આવી છે. વધુ એક સમાચાર આકાશદીપને લઈને પણ છે. તે 10 એપ્રિલ સુધી ક્રિકેટના મેદાનમાં પરત ફરી શકે છે.
જસપ્રીત બુમરાહને લઈ પહેલા એવા સમાચાર હતા કે, તે 1 એપ્રિલથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોડાય શકે છે પરંતુ હવે નવી અપટેડ એ છે કે હવે તે તારીખ લંબાવવામાં આવી છે. હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ જસપ્રીત બુમરાહ ફિટ છે પરંતુ તેનો વર્કલોડ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે. જેનાથી પીઠમાં સ્ટ્રેસ ફેક્ચરની સમસ્યા ફરી પાછી ન થઈ શકે. બુમરાહને આ ઈજા સિડની ટેસ્ટ દરમિયાન થઈ હતી. આ મેચ તેમણે અધવચ્ચે પણ છોડવી પડી હતી.
બીસીસીઆઈના સુત્રો મુજબ રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, આ ઈજા થોડી સીરિયસ છે. ત્યારે તેને આ ફેક્ચર ફરી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ તેને સંપૂર્ણ ફોર્મમાં પાછા આવવામાં થોડો સમય લાગી શકે છે. હાલમાં તેમના પાછા ફરવાની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ, શક્ય છે કે તે એપ્રિલના મધ્ય સુધીમાં પાછો ફરે. આકાશદીપ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે તે 10 એપ્રિલ સુધીમાં પાછો ફરી શકે છે.
બીસીસીઆઈની મેડિકલ ટીમને એવું પણ લાગી રહ્યું છે કે, જો સીધો તેનો વર્કલોડ વધારવામાં આવે તો ખતરાને આમંત્રણ આપ્યા જેવું છે. બુમરાહને હજુ આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ સીરિઝ પણ છે. જે આઈપીએલ 2025 બાદ થઈ શકે છે.