
9 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી, BCCI ફરી IPL શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓ ભારત છોડી ચૂક્યા છે અને તેમના પાછા ફરવાનો પ્રશ્ન હજુ પણ અકબંધ છે. આ બધા વચ્ચે RCBને મોટો ફટકો પડ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાગ્રસ્ત થયો છે અને તે આ સિઝનની બાકીની મેચમાં રમવા ભારત આવશે તેવી શક્યતા નહિવત છે. જોશ હેઝલવુડને 11 જૂનથી લોર્ડ્સ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમવાની છે. તેથી, ટુર્નામેન્ટ ફરી શરૂ થાય ત્યારે તેના આવવાની શક્યતા લગભગ શૂન્ય છે.

જોશ હેઝલવુડ ખભાની ઈજાને કારણે 3 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઘરઆંગણેની મેચમાં પણ નહોતો. ESPNcricinfoના અહેવાલ મુજબ, જો ટુર્નામેન્ટ સ્થગિત ન થઈ હોત, તો તેના માટે 9 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવું પણ મુશ્કેલ બન્યું હોત. એટલું જ નહીં, આ ઈજાને કારણે આખી સિઝન માટે બહાર રહેવાનો ખતરો હતો.

જોકે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) તેની ઈજાથી ચિંતિત નથી. હેઝલવુડને WTC ફાઈનલ માટે ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ મેચ પહેલા, ઓસ્ટ્રેલિયન બોર્ડ યુકેમાં એક કન્ડીશનીંગ કેમ્પ લગાવવા જઈ રહ્યું છે. હેઝલવુડ તેનો એક ભાગ હશે.

આ સિઝનમાં હેઝલવુડ RCB માટે એક મોટું હથિયાર સાબિત થયો છે. પાવરપ્લે હોય કે ડેથ ઓવર, તેણે મેચના દરેક તબક્કામાં ઘાતક બોલિંગ કરી છે. રન રોકવાની સાથે તેણે વિકેટ પણ લીધી છે.

તે IPL 2025માં RCBનો સૌથી સફળ બોલર છે. ટુર્નામેન્ટ સ્થગિત થયા પહેલા હેઝલવુડે 10 મેચમાં 18 વિકેટ લીધી છે. તે ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. તેની ગેરહાજરીથી RCBને મોટું નુકસાન થઈ શકે છે. ફક્ત ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા અને ચેન્નાઈ સુપર કિંગ્સનો નૂર અહેમદ જ તેમનાથી આગળ હતા. બંનેના નામે 20-20 વિકેટ છે. (All Photo Credit : PTI)