
ટેસ્ટ ક્રિકેટમાં પાંચ દિવસની મેચ દરમિયાન વરસાદ પડે તો રમત અટકાવવી સામાન્ય બાબત છે. પરંતુ સવાલ એ છે કે વરસાદના કારણે મેચના નિયમોમાં શું ફેરફાર થાય છે? શું ઓવરો ઘટે છે, નવું ટાર્ગેટ નવેસરથી નક્કી થાય છે કે પછી મેચનું પરિણામ જ બદલાઈ શકે છે? જાણો ટેસ્ટ ક્રિકેટમાં વરસાદના નિયમો.

ટેસ્ટ ક્રિકેટમાં વરસાદ પડે ત્યારે ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) પદ્ધતિ લાગુ પડતી નથી. વનડે અને T20થી વિપરીત ટેસ્ટ મેચમાં વરસાદના કારણે ટીમનો ટાર્ગેટ નવેસરથી નક્કી કરવામાં આવતો નથી.

વરસાદના કારણે રમત અટકે તો ગુમાવેલો સમય શક્ય હોય ત્યાં સુધી પૂરો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં દરરોજ 90 ઓવર રમાડવાનું લક્ષ્ય હોય છે, પરંતુ વરસાદને કારણે આ શક્ય ન બને તો દિવસની રમતના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

વરસાદ લંચ અથવા તે બ્રેકની નજીક પડે તો અમ્પાયરો પરિસ્થિતિ પ્રમાણે બ્રેકનો સમય વહેલો શરૂ કરી શકે છે. હવામાન સુધરે ત્યારે રમત ફરી શરૂ કરવામાં આવે છે.

જો વરસાદને કારણે પૂરતી રમત ન થઈ શકે, તો ટેસ્ટ મેચનું પરિણામ ડ્રો પણ આવી શકે છે. જોકે, જો કોઈ ટીમ મેચ દરમિયાન જીત માટે જરૂરી સ્થિતિ બનાવી લે, તો પણ વરસાદના કારણે નિયમ બદલાતા નથી અને પરિણામ પરિસ્થિતિના આધારે જ નક્કી થાય છે.

ટેસ્ટ ક્રિકેટમાં વરસાદ માટે DLS જેવી પદ્ધતિ ન હોવાને કારણે સમયનું મહત્વ ખૂબ વધી જાય છે. તેથી લાંબા સમય સુધી વરસાદ રહે તો પાંચ દિવસની મેચમાં પરિણામ મેળવવું મુશ્કેલ બની શકે છે અને બંને ટીમોએ ઉપલબ્ધ સમયમાં જીત માટે જરૂરી રન અને વિકેટ હાંસલ કરવા પડે છે. (PC:X/BCCI/SLC)