
ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર ખેલાડી તરીકે બેટિંગ કરતી વખતે જે આક્રમકતાથી નિવેદનો આપતો હતો તે જ રીતે કોચ તરીકે પણ નિવેદનો આપે છે. તેના કોચિંગ કાર્યકાળ દરમિયાન પણ આ વલણ ચાલુ રહ્યું છે, અને તાજેતરમાં તેનું ઉદાહરણ સામે આવ્યું છે.

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ગૌતમ ગંભીરે પોતાના ટીકાકારો પ્રત્યે આવી જ આક્રમકતા દર્શાવી હતી, જ્યારે તેને સતત ટીકાનો સામનો કરવા અંગે પૂછવામાં આવ્યું હતું.

ગંભીરે આ ટીકાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી, અને કહ્યું કે તેનો એકમાત્ર હેતુ ટ્રોફી જીતવાનો છે, અને તે તેમાં જ માને છે. ગંભીરે કહ્યું કે "મારા અને બીજા લોકો વચ્ચે આ જ ફરક છે. મને વ્યૂઝ કે લાઈક્સની ચિંતા નથી."

ગંભીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી છે, જ્યારે ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટમાં સતત સંઘર્ષ કરવો પડ્યો છે અને આ માટે ગંભીરની ટીકા થઈ રહી છે.

ટીમ ઈન્ડિયા પાસે હવે કોલંબો ટેસ્ટ જીતીને અથવા ડ્રો કરીને શ્રેણી જીતવાની તક છે. જો આવું થાય, તો ગંભીરના કાર્યકાળ દરમિયાન ભારતની વિદેશમાં પહેલી ટેસ્ટ શ્રેણી જીત હશે, જે તેના માટે રાહતની વાત હશે. (PC: PTI)